૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રીનું અમરેલીમાં આગમન, નાગનાથ મહાદેવના કર્યા દર્શન

અમરેલી: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લામાં યોજાવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી આવી પહોંચીને ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.

અમરેલી આગમન બાદ મુખ્યમંત્રીએ સવારે નગરના પૌરાણિક અને પવિત્ર શ્રદ્ધાધામ એવા નાગનાથ મહાદેવ મંદિરે શીશ નમાવ્યું હતું. તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, મંત્રોચ્ચાર અને જળાભિષેક સાથે દેવાધિદેવ મહાદેવની પૂજાઅર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

નાગનાથ મહાદેવ દેવસ્થાન સંસ્થાનના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. દર્શન દરમિયાન મુખ્યમંત્રીએ પોતાની સહજ સાદગી દર્શાવતા પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોનું “મહાદેવ… મહાદેવ”ના નાદ સાથે અભિવાદન ઝીલ્યું હતું.

આ ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રસંગે મુખ્યમંત્રીની સાથે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.