ગુજરાત ભારતના આગામી ઔદ્યોગિક વિકાસનું એન્જિન, MSME-ડેટા સેન્ટર હબ પર CIIનો ભાર

અમદાવાદ: ગુજરાત પોતાના મજબૂત ઔદ્યોગિક આધાર, સાહસિક ઇકોસિસ્ટમ અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બળે ભારતની ઔદ્યોગિક ક્રાંતિના આગામી તબક્કાનું મુખ્ય ગ્રોથ એન્જિન બનવા માટે સજ્જ છે. શહેરમાં યોજાયેલી ‘કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’ (CII)ની મીડિયા રાઉન્ડટેબલ પરિષદને સંબોધતા CII વેસ્ટર્ન રિજનના ચેરમેન અને બ્લૂ સ્ટાર લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર વીર એસ. અડવાણીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.વીર અડવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આગામી વિકાસયાત્રામાં સ્પર્ધાત્મકતા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ભવિષ્યની કુશળતા (ફ્યુચર સ્કિલ) અને ગ્રીન ટેકનોલોજી કેન્દ્રસ્થાને રહેશે. તેમણે નિયમનકારી પ્રક્રિયાઓના સરળીકરણ, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ, ઝડપી પર્યાવરણીય મંજૂરીઓ અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના ઉકેલ પર ભાર મૂક્યો હતો.

મલ્ટી-સેક્ટર ગ્રોથ અને MSMEનો વિકાસ

ગુજરાતમાં હાલ સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને એરોસ્પેસ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી અને AI આધારિત સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકો ઉભી થઈ રહી છે. CII આ દિશામાં સાણંદ, રાજકોટ અને વડોદરા ખાતે આવેલ કૌશલ્ય કેન્દ્રો દ્વારા ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું તાલીમબદ્ધ માનવબળ તૈયાર કરી રહ્યું છે. ઉપરાંત, MSME ઉદ્યોગોને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે જોડવા માટે એક્સપોર્ટ-રેડીનેસ પ્રોગ્રામ્સ અને ક્વોલિટી સુધારણા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. વીર અડવાણીએ જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રાજ્ય સરકારને CIIના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

ડેટા સેન્ટર હબ અને ‘વિરાસત સે વિકાસ’નો મંત્ર

આ પ્રસંગે CII ગુજરાતના ચેરમેન અચલ બકેરીએ ઉમેર્યું હતું કે, ગુજરાત આગામી વર્ષોમાં દેશનું જ નહીં પરંતુ સમગ્ર ખંડનું ‘ડેટા સેન્ટર હબ’ બનવા જઈ રહ્યું છે. તેમણે રાજ્ય સરકારની તાજેતરની નીતિઓ જેવી કે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૨૬, ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬, અને ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬-૨૯ને આવકારી હતી. આ નીતિઓમાં આપવામાં આવેલ “ચૂઝ યોર ઇન્સેન્ટિવ” (Choose Your Incentive) અભિગમ ઉદ્યોગો માટે ખૂબ પ્રોત્સાહક છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતની ૨૦૪૭ સુધીની વિકસિત રાજ્ય બનવાની સફર “વિરાસત સે વિકાસ: ગુજરાત@૨૦૪૭”ના મંત્ર સાથે આગળ વધશે, જે સંસ્કૃતિ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાના મૂળિયાં સાથે જોડાણ જાળવી રાખીને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જશે.