NALSAR વિવાદ પર CJI સૂર્યકાંતે BCIને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ NALSAR યુનિવર્સિટી વિવાદને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે બાર કાઉન્સિલ ફ ઈન્ડિયા (BCI)ની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આ મામલે BCIની દખલગીરી સંપૂર્ણપણે બિનજરૂરી છે. આ સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે, તેની સાથે BCIને કોઈ લેવાદેવા નથી. આ અંગે CJI સૂર્યકાંતે કહ્યું હતું કે આ વિદ્યાર્થીઓ અને મારી વચ્ચેનો સંવાદ છે. આ મુદ્દો ઉઠાવનારા તેઓ કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે.

ખોટું નિવેદન આપવા છતાં વિરોધ કરવાનો અધિકાર ખતમ નથી થતો

ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ પણ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો વિદ્યાર્થીઓ ખોટા પણ હોય, તો પણ તેમને પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે. CJIએ કહ્યું હતું કે યુવાનીમાં કોઈ વ્યક્તિ ખોટું નિવેદન આપી દે, તેનો અર્થ એ નથી કે તેનો વિરોધ કરવાનો અધિકાર ખતમ થઈ જાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે BCIને નોટિસ પાઠવીને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે સુનાવણી દરમિયાન BCI તરફથી જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સર્ક્યુલર પહેલેથી જ પરત ખેંચી લેવામાં આવ્યો છે. કોર્ટે વચગાળાનો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે NALSAR અથવા કોઈ અન્ય નેશનલ લો યુનિવર્સિટી (NLU) કે લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સામે સંબંધિત ઘટનાઓને લઈને કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

NALSAR-CJI સૂર્યકાંત વિવાદ શું છે?

હૈદરાબાદ સ્થિત NALSAR યુનિવર્સિટી ઓફ લો અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI) વચ્ચે શરૂ થયેલો વિવાદ થોડા જ કલાકોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. શરૂઆતમાં BCIએ NALSARના 2026 બેચના તમામ વિદ્યાર્થીઓની વકીલ તરીકે નોંધણી પર રોક લગાવવાનો આદેશ જારી કર્યો હતો, પરંતુ તે જ દિવસે આ આદેશ પાછો પણ ખેંચી લીધો હતો.