નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટ ચાલુ છે, ત્યારે એક અહેવાલ પ્રકાશિત થયો હતો કે ટ્રેડ ડીલ અંગેની ચર્ચાઓ અટકી ગઈ છે. જોકે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને ભારતના વેપાર મંત્રી પીયૂષ ગોયલે આ અહેવાલને નકારી કાઢ્યો છે. સર્જિયો ગોરે અહેવાલને ખોટો અને ભ્રામક ગણાવ્યો છે.
રોયટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે તાજેતરની ચર્ચાઓ દરમિયાન અમેરિકા સાથે ટૂંક સમયમાં થનારી ટ્રેડ ડીલને નકારી દીધી છે અને વધુ સારી ડીલની રાહ જોઈ રહ્યું છે. પીયૂષ ગોયલે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, આધારહીન અને ભ્રામક છે. જૂનમાં જ્યારે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીર દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમની સાથે મારી ખૂબ જ સકારાત્મક બેઠક થઈ હતી.
સર્જિયો ગોરે પણ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચેની બેઠકો ખૂબ જ સકારાત્મક રહી છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો સક્રિય રીતે ચર્ચાઓમાં જોડાયેલા છે. X પરની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ફેક ન્યૂઝ એલર્ટ! કોઈએ પણ કંઈ નકાર્યું નથી. બંને પક્ષોએ અત્યંત સકારાત્મક બેઠકો કરી છે અને ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. અમે સક્રિય રીતે જોડાયેલા છીએ. રોયટર્સ – તમે આથી વધુ સારું કરી શકો છો. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ સહમતી બની શકી નહોતી, કારણ કે અમેરિકાએ ભારતની મુખ્ય માગો અંગે વિશ્વાસ આપ્યો નહોતો. આ માટે અહેવાલમાં એક બેનામ ભારતીય સરકારી અધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
India rejected a quick trade agreement with the US in recent talks and is holding out for a better deal as Prime Minister Narendra Modi draws confidence from new trading partners, eased economic risks and political gains at home, officials and analysts said…
— Reuters (@Reuters) July 13, 2026
રિપોર્ટમાં એક અમેરિકી અધિકારીના હવાલાથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત ઘણી વાર વાટાઘાટોમાં ધીમું, વધારે નોકરશાહી પ્રક્રિયાઓ ધરાવતું અને મુશ્કેલ સાબિત થયું છે, જેને કારણે ટૂંક સમયમાં કોઈ ડીલ થવાની શક્યતા ઓછી જણાય છે. અહેવાલમાં જણાવાયું હતું કે ભારતીય વાણિજ્ય મંત્રાલય અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયે ટિપ્પણી માટે મોકલવામાં આવેલા ઇમેઇલનો કોઈ જવાબ આપ્યો નહોતો.






