વડોદરાઃ રાજ્યના વડોદરા જિલ્લાના માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે. ભાજપના ઉમેદવાર સતેન્દ્રભાઈ પટેલ ઉર્ફે સતીશ પટેલે 30,630 મતના જંગી અંતરથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભિખા રબારીને 24,851 મત મળ્યા હતા. 30 જુલાઈએ યોજાયેલા મતદાન બાદ આજે 20 રાઉન્ડની મતગણતરીમાં ભાજપે શરૂઆતથી જ નિર્ણાયક લીડ જાળવી રાખી અને જીત નોંધાવી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલને કુલ 55,481 મત મળ્યા હતા.
આ જીત સંપૂર્ણપણે જનતાની જીત છે: સતીશ પટેલ
ભવ્ય જીત બાદ મિડિયા સાથે વાત કરતાં સતીશ પટેલે પોતાની સફળતાનું શ્રેય માંજલપુરની જનતા અને પક્ષના કાર્યકરોને આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માંજલપુરની જનતાએ જેમ સ્વર્ગસ્થ યોગેશ કાકા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમ જ અભૂતપૂર્વ આશીર્વાદ મને પણ આપ્યો છે. આ જીત સંપૂર્ણપણે જનતાની જીત છે.
Vadodara, Gujarat: BJP candidate Satish Patel won the Manjalpur Assembly by-election by a margin of 30,499 votes, securing a decisive victory over Congress candidate Bhikha Rabari. pic.twitter.com/o4oEYcbRfq
— IANS (@ians_india) August 3, 2026
હાર અંગે કોંગ્રેસ ઉમેદવારનું નિવેદન
બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર ભિખા રબારીએ પોતાની હાર સ્વીકારીને જણાવ્યું હતું કે તેઓ જનતાના નિર્ણયનું સન્માન કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીના અંતિમ તબક્કામાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેને કારણે ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ રહી નહોતી. તેમણે પોતાના સમર્થકો અને મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ આગળ પણ જનતાના પ્રશ્નો માટે લોકશાહી માર્ગે સંઘર્ષ ચાલુ રાખશે.




