સુરતમાં પહેલીવાર ટિકિટના પ્રયોગ સાથે નવા રંગમંચ પર નાટક સ્પર્ધાનો આરંભ

સુરત: નાટ્યપ્રવૃત્તિ સાથે પાંચ દાયકાથી વધુ સમયથી જોડાયેલી પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વખતે નવા રંગમંચ પર નવા પ્રયોગ સાથે યોજાવા જઈ રહી છે.કતારગામના આધુનિક ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં તા. ૨૭ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ સ્પર્ધા માટેનું સૌથી મોટું આકર્ષણ માત્ર નવું ઓડિટોરિયમ જ નથી, પરંતુ બાવન વર્ષની સફરમાં પહેલીવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ વસૂલવાનો નિર્ણય પણ છે.અત્યાર સુધી નાટકો નિહાળવા માટે પ્રેક્ષકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો, ત્યારે હવે રૂ. ૨૦ની ટિકિટ સાથે નાટ્યરસિકો નવા રંગમંચ પર ગુજરાતી નાટ્યકળાની વિવિધતા માણી શકશે.નાટ્યક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો અને સંસ્થાઓને પ્રોત્સાહન મળે અને શહેરમાં નાટ્યપ્રવૃત્તિને વેગ મળે એ હેતુથી યોજાતી આ નાટ્યસ્પર્ધામાં દર વર્ષે વિવિધ નાટ્ય સંસ્થાઓ પોતાની કૃતિઓ રજૂ કરે છે.શ્રેષ્ઠ નાટક ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક સહિતની વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવે છે. આ વખતે સ્પર્ધા માટે કુલ ૧૦ નાટ્ય સંસ્થાઓ ફાઇનલમાં પહોંચી છે અને ૧૦ દિવસ દરમિયાન દરરોજ એક નાટક રજૂ થશે.આ બાવન વર્ષની પરંપરામાં પહેલીવાર સ્પર્ધાનું સ્થળ પણ બદલાયું છે. ગાંધીસ્મૃતિ ભવન, સરદાર પટેલ ભવન, સંજીવકુમાર હોલ બાદ હવે પ્રથમવાર કતારગામમાં આવેલું આધુનિક ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હવે સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનું નવું સરનામું બન્યું છે.કુલ ૮૭૬ બેઠક ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમમાં પ્રેક્ષકોને આધુનિક સુવિધાઓ સાથે નાટક માણવાની તક મળશે. એમાં ૬૦૦ બેઠકો માટે રૂ. ૨૦ની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક નાટક માટેનું ઓનલાઈન બુકિંગ તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું.નવાઈ તો એ રહી કે સ્પર્ધા શરૂ થાય એ પહેલા જ ૯૦% ટિકિટોનું ઓન લાઇન બુકિંગ થઈ ગયું હતું. નાટ્યપ્રેમીઓ કહે છે, ખૂબ વ્યાજબી ટિકિટનો ભાવ રાખ્યો છે અને એનાથી ફાયદો એ થશે કે નાટકપ્રેમી લોકો જ જોવા આવશે અને ભેગી થયેલી રકમ કલાકારોને વહેંચણી થશે. એક દર્શક માટે એની ટિકિટની એનાથી રૂડી ભેટ શું હોય શકે !સાંસ્કૃતિક વિભાગના ઈનચાર્જ મેનેજર ધવલ ગાંધી કહે છે, પહેલીવાર ટિકિટ રાખવાનો આ નિર્ણય માત્ર પ્રેક્ષકો માટે નવો અનુભવ નથી, પરંતુ સ્પર્ધામાં ભાગ લેનારી નાટ્ય સંસ્થાઓ માટે પણ મહત્વનો છે.ટિકિટના વેચાણથી થનારી આવક ૧૦ ફાઇનલિસ્ટ સંસ્થાઓ વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવશે. એટલે અત્યાર સુધી માત્ર ઇનામ સુધી સીમિત રહેતી સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાઓને હવે પ્રેક્ષકોની ટિકિટમાંથી થતી આવકનો પણ સીધો લાભ મળશે.

નાટક તૈયાર કરવામાં કલાકારોના મહેનતાણાથી લઈને સેટ, લાઇટ, સાઉન્ડ અને અન્ય નિર્માણ ખર્ચ સુધી અનેક પ્રકારના ખર્ચ થાય છે ત્યારે આ આવક સંસ્થાઓ માટે વધારાનું આર્થિક પ્રોત્સાહન બની શકે છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)
(તસવીર – ધર્મેશ જોશી)