એશિયન ગેમ્સ 2026: 11મા દિવસે 2 ગોલ્ડ સાથે મેડલની સંખ્યા 52 એ પહોંચી

જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલા એશિયન ગેમ્સ 2026 માં 11મો દિવસ ભારત માટે ખૂબ જ સુવર્ણ સાબિત થયો છે. આ મલ્ટી-સ્પોર્ટસ ઈવેન્ટના 11મા દિવસે ભારતીય રમતવીરોએ અદ્ભુત રમત બતાવીને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત અનેક મહત્વપૂર્ણ સફળતાઓ મેળવી હતી. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 52 પર પહોંચી ગઈ છે, જેમાં 6 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત હવે મેડલ તાલિકામાં 10મા ક્રમે આવી ગયું છે.

શૂટિંગમાં નીરુ ઢાંડાનો ઐતિહાસિક ગોલ્ડ:

11મા દિવસની સૌથી મોટી સફળતા શૂટિંગમાં મળી હતી, જ્યાં નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરુ એશિયન ગેમ્સની આ સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. ફાઈનલમાં તેણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો અને ચીનની સુન યુનોંગને પછાડીને ટોપ પોઝિશન હાંસલ કરી હતી. 30 શૂટ્સ બાદ નીરુ 28 હિટ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. આ સિવાય નીરુ ઢાંડા, આશીમા અહલાવત અને મનીષા કીરની મહિલા ટ્રેપ ટીમે 328 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.

એથ્લેટિક્સમાં મહિલા રિલે ટીમે અપાવ્યો પ્રથમ ગોલ્ડ:

ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મહિલા 4x400m રિલે ટીમે અપાવ્યો હતો. કિરણ, પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ચોકડીએ 3:29.69 ના સમય સાથે પ્રથમ સ્થાન મેળવીને સુવર્ણ પદક જીત્યો હતો. આ ગોલ્ડ સાથે જ વિથ્યા રામરાજે ચાલુ એશિયન ગેમ્સમાં પોતાની મેડલ હેટ્રિક (1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ) પૂરી કરી હતી.

ગુલવીર સિંહનો 40 વર્ષ જૂનો રેકોર્ડ અને મેડલ હેટ્રિક:

ગુલવીર સિંહે પુરુષોની 5000m દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એક જ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીતનાર તે 40 વર્ષ પહેલા પીટી ઉષા બાદ પ્રથમ ભારતીય બન્યો છે.

11મા દિવસે મળેલા અન્ય મહત્વના મેડલ્સ:

મહિલા હાઈ જમ્પ: પૂજા સિંહે 1.84m નો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ પક્કો કર્યો.

મૂવિંગ રિલે ઈવેન્ટ્સ: મિક્સ્ડ 4x100m રિલે ટીમે 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. આ જ રીતે પુરુષોની 4x400m રિલે ટીમે (ધર્મવીર, મનુ, જય, વિશાલ) 3:01.61 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

બોક્સિંગ: નરેન્દ્ર બેરવાલે 90kg સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

બોક્સિંગમાં ફાઈનલ તરફ પ્રયાણ:
ભારતીય મહિલા બોક્સર પરવીન હુડ્ડા (65kg) અને અંકુશ પંઘાલ (80kg) એ પોતપોતાની સેમિફાઈનલ બાઉટ જીતીને ગોલ્ડ મેડલની મેચમાં પ્રવેશ કરી લીધો છે. પરવીન એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચનારી મેરી કોમ અને લવલીના બોરગોહેન બાદ ત્રીજી ભારતીય મહિલા બોક્સર બની છે.