શું ઈરાને અમેરિકાની સામે કર્યું આત્મસમર્પણ?

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાને વિવિધ માધ્યમો દ્વારા એવા સંકેતો મળી રહ્યા છે કે ઈરાન વાતચીત કરવા માગે છે. જોકે ઈરાનના નેતૃત્વ અને સત્તા વર્તુળોમાં આ મુદ્દે મતભેદો પણ વધતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમને અનેક માધ્યમો દ્વારા ઈરાન તરફથી વાતચીત કરવાની ઇચ્છાના સંકેતો મળી રહ્યા છે. પરંતુ ત્યાંની સત્તા અને નેતૃત્વમાં આ મુદ્દાને લઈને આંતરિક મતભેદો પણ વધી રહ્યા છે.

સૈન્ય કાર્યવાહી વચ્ચે કૂટનીતિના સંકેતો

રુબિયોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સૈન્ય હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાનું કહેવું છે કે તેની કાર્યવાહીનો હેતુ ઈરાનની એવી સૈન્ય ક્ષમતાઓને નબળી પાડવાનો છે, જેનો ઉપયોગ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)માં વેપારી જહાજો પર હુમલા કરવા માટે થઈ રહ્યો છે. આ પહેલાં પણ રુબિયોએ આરોપ મૂક્યો હતો કે ઈરાન પ્રાદેશિક સંઘર્ષમાં દબાણ વધારવા માટે હોર્મુઝ જળમાર્ગનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે વૈશ્વિક સમુદ્રી વેપાર અને જહાજરાનીની સુરક્ષા માટે અન્ય દેશોને વધુ સહકાર આપવા અપીલ કરી હતી.

વિશ્વના દેશોને સહકાર માટે અપીલ

ફિલિપાઈન્સ જવા પહેલાં પત્રકારો સાથે વાત કરતાં રુબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખશે, પરંતુ અન્ય દેશોએ પણ સાધનો, સંસાધનો અને આર્થિક સહયોગ આપીને આ જવાબદારીમાં ભાગીદાર બનવું જોઈએ.

વાતચીતનો માર્ગ હજુ ખુલ્લો

જોકે સૈન્ય સંઘર્ષ સતત તેજ બની રહ્યો છે, માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા હજુ પણ કૂટનીતિક ઉકેલ માટે તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ સૈન્ય કાર્યવાહી અને વાતચીત – બંને પ્રક્રિયાઓ એકસાથે ચાલી શકે છે. જો ઈરાન ચર્ચા માટે આગળ આવશે, તો અમેરિકા તે વિકલ્પ પર પણ ગંભીરતાથી વિચાર કરવા તૈયાર છે.