MP વિધાનસભામાં રજૂ થયું UCC બિલઃ ડ્રાફ્ટમાં શું છે, જાણો…

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્ર (MP Monsoon Session 2026)ના પ્રથમ જ દિવસે રાજ્ય સરકારે મધ્ય પ્રદેશ સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું. મંત્રી ગૌતમ ટેટવાલે જ્યારે બિલ વિધાનસભામાં રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષોએ ભારે વિરોધ અને હોબાળો કર્યો. મુખ્ય મંત્રી ડો. મોહન યાદવે સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ બિલને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપી હતી અને તેને ઐતિહાસિક ગણાવ્યું હતું.

UCC સિવાય વિધાનસભામાં કુલ 14 બિલ રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં ધન્વંતરિ યુનિવર્સિટી વિધેયક, અગ્નિશામક વિધેયક, ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વિધેયક અને ઉપકર સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે સત્ર દરમિયાન આ તમામ બિલો પર ચર્ચા કરવામાં આવશે. આ બિલોની માહિતી અનુપૂરક કાર્યસૂચિમાં આપવામાં આવી હતી.

UCC ડ્રાફ્ટના મુખ્ય મુદ્દા

  • આદિવાસી સમાજને UCCના દાયરાથી બહાર રાખવામાં આવ્યો છે.
  • લગ્ન અને છૂટાછેડા માટે તમામ સમુદાયો માટે સમાન નિયમો લાગુ પડશે; ત્રણ તલાક જેવી પ્રથાઓ પર પ્રતિબંધ રહેશે.
  • માતા-પિતાને નિરાધાર છોડનારાઓ સામે કાર્યવાહી થશે.
  • એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ રહેશે; જીવનસાથી જીવિત હોય ત્યારે બીજું લગ્ન માન્ય ગણાશે નહીં.
  • લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
  • દત્તક લેવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવાશે.
  • લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને છોડી દેવામાં આવે તો તેને ભરણપોષણ મેળવવાનો અધિકાર મળશે.
  • પુત્ર-પુત્રી, વિધવા-વિધુર અને માતા-પિતાને વારસામાં સમાન અધિકાર મળશે.
  • લિવ-ઇન સંબંધમાંથી જન્મેલાં બાળકોને કાયદેસર માનવામાં આવશે અને તેમને વારસાનો હક મળશે.
  • સપ્તપદી, નિકાહ, આનંદ કારજ, આર્ય સમાજની વૈદિક વિધિ તથા અન્ય ધાર્મિક અથવા પરંપરાગત રીતથી થયેલાં લગ્ન માન્ય રહેશે.
  • માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન ન કરાવવાથી લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નિયમોના ઉલ્લંઘન બદલ દંડ અને અન્ય કાર્યવાહી થઈ શકે છે.

નિકાહ હલાલાને ગુનાની શ્રેણીમાં લાવવાનો પ્રસ્તાવ

ડ્રાફ્ટમાં નિકાહ હલાલા જેવી પ્રથાઓને ગુનાની શ્રેણીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. એ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સંપત્તિના માલિકની હત્યાનો દોષી સાબિત થાય, તો તે વ્યક્તિ મૃતકની સંપત્તિમાં વારસદાર બની શકશે નહીં.