ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર વિરોધ પક્ષનો હંગામો

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર શરૂ થયાના થોડા જ સમય પછી વિરોધ પક્ષે પેપર લીકને મુદ્દે ભારે હોબાળો કર્યો. NEET પેપર લીક મુદ્દે ચર્ચાની માગ સાથે વિરોધ પક્ષના સભ્યો વેલ સુધી પહોંચી ગયા. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

મોન્સુન સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અર્થપૂર્ણ ચર્ચા સમયની માગ છે. તેમણે આશા વ્યક્ત કરી કે સંસદનું મોન્સુન સત્ર અસરકારક રહેશે. મોન્સુન સત્ર દરમિયાન સરકાર ‘વંદે માતરમ’ સહિત છ બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ વિરોધ પક્ષ રામ મંદિરના ચઢાવાની ચોરી, પેપર લીક, ઇથેનોલ, સોનમ વાંગચુક સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

મોન્સુન સત્રના પ્રથમ દિવસે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા ‘કોક્રોચ જનતા પાર્ટી’ના સમર્થકોના સંસદ માર્ચ પર પણ સૌની નજર છે. દિલ્હી પોલીસે આ માર્ચની મંજૂરી આપી નથી, છતાં પ્રદર્શનકારીઓએ સંપૂર્ણ તૈયારી કરી છે. તેમને રોકવા માટે જંતર-મંતરથી લઈને સંસદ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર ફરી હોબાળો

બપોરે 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ વિરોધ પક્ષના સભ્યોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ તથા અન્ય કેટલાક મુદ્દાઓને લઈને ફરી હોબાળો કર્યો હતો. જેને કારણે એક વખત સ્થગિત થયેલી કાર્યવાહી ફરી બપોરે એક વાગ્યા સુધી માટે સ્થગિત કરવી પડી. 

જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે તમે મને પેપર લીક અને NEET પરીક્ષા કૌભાંડ વિશે બોલવાની તક આપી છે. આ મુદ્દો વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે; હું લાખો બાળકોના ભવિષ્યની વાત કરી રહ્યો છું. આ મુદ્દે હજારો વિદ્યાર્થીઓ જંતર-મંતર પર એકત્ર થયા છે. ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સરકાર બળનો ઉપયોગ કરીને તેમની અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરી રહી છે.