CBIના રૂ. 1109 કરોડના બેંક કૌભાંડમાં ચાર રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ દેશમાં બેંકિંગ છેતરપિંડીના એક મોટા કેસમાં CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ રૂ. 1109 કરોડના કથિત બેંક કૌભાંડની તપાસ અંતર્ગત ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Gupta Power Infrastructure Ltd.) અને તેની સાથે સંકળાયેલા ડિરેક્ટરો સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં કરવામાં આવી છે.

CBIના જણાવ્યા મુજબ તપાસનું મુખ્ય કારણ કેનેરા બેંક પાસેથી લેવામાં આવેલી મોટી લોન છે. આરોપ છે કે કંપનીએ બેંક પાસેથી ફંડ-આધારિત (Fund-Based Facilities) અને નોન-ફંડ-આધારિત (Non-Fund Based Facilities) સુવિધાઓ હેઠળ મોટી નાણાકીય સહાય મેળવી હતી. ત્યાર બાદ આ સુવિધાઓનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો, જેને કારણે બેંકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

તપાસ એજન્સીનો દાવો છે કે કંપનીએ પોતાની નાણાકીય સ્થિતિ વાસ્તવિકતા કરતાં વધુ સારી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના માટે સ્ટોકનું મૂલ્ય વાસ્તવિક કરતાં વધારે બતાવવામાં આવ્યું, ટ્રેડ રિસિવેબલ્સ (Trade Receivables)ના આંકડા વધારીને રજૂ કરવામાં આવ્યા અને નાણાકીય હિસાબોમાં પણ કથિત ગેરરીતિ કરવામાં આવી હતી, જેથી વધુ ક્રેડિટ મર્યાદા મેળવી શકાય.

CBIના જણાવ્યાનુસાર તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બેંકમાંથી મેળવેલી લોનની રકમનો ઉપયોગ તે હેતુ માટે કરવામાં આવ્યો નહોતો, જેના માટે લોન લેવામાં આવી હતી. આરોપ છે કે નાણાં અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં અને ખાતાંઓને સામાન્ય દેખાડવા માટે “એવરગ્રીનિંગ ઓફ અકાઉન્ટ્સ” (Evergreening of Accounts) જેવી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરળ ભાષામાં કહીએ તો એવરગ્રીનિંગનો અર્થ જૂનાં દેવાંને નવાં દેવાં આપીને અથવા અન્ય રીતે નિયમિત બતાવવાનો હોય છે, જેથી ડિફોલ્ટની સ્થિતિ છુપાવી શકાય.

આ કેસમાં CBIએ કુલ છ સ્થળોએ તલાશી લીધી છે. તપાસ ટીમે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં કંપનીના ડિરેક્ટરોનાં નિવાસસ્થાનોની તપાસ કરી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા કંપનીના રજિસ્ટર્ડ ઓફિસની પણ તલાશી લેવામાં આવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના ઊધમસિંહ નગર જિલ્લાના કાશીપુર, તમિલનાડુના તિરુવલ્લુર અને ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલી કંપનીની ઉત્પાદન એકમોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉત્તરાખંડના કાશીપુર સ્થિત યુનિટમાં CBI અધિકારીઓએ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડની તપાસ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, જેની હવે વિગતવાર તપાસ કરવામાં આવશે. જોકે એજન્સીએ હજુ સુધી એ જાહેર કર્યું નથી કે દરોડા દરમિયાન અન્ય કઈ સામગ્રી મળી આવી છે.