UGCની 32 નકલી યુનિવર્સિટીઓથી વિદ્યાર્થીઓને સતર્ક રહેવા અપીલ

નવી દિલ્હીઃ દેશમાં નકલી યુનિવર્સિટીઓ સામે કાર્યવાહી તેજ કરતાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશભરની 32 નકલી યુનિવર્સિટીઓની ઓળખ કરી છે. શિક્ષણ મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે આ સંસ્થાઓને UGC અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત નથી અને તેમને ડિગ્રી આપવાનો કોઈ અધિકાર નથી. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતાં પહેલાં તેની માન્યતા ચકાસવાની સલાહ આપવામાં આવી છે.

શિક્ષણપ્રધાન ડો. સુકાંત મજુમદારના જણાવ્યાનુસાર UGCએ આ યાદી ફેબ્રુઆરી, 2026માં જાહેર કરી હતી. જ્યારે કોઈ એવી સંસ્થા અંગે ફરિયાદ મળે છે કે જે મંજૂરી વિના ડિગ્રી કાર્યક્રમો ચલાવી રહી હોય, ત્યારે સૌપ્રથમ તેને નોટિસ પાઠવીને સ્પષ્ટીકરણ માગવામાં આવે છે. જો જવાબ સંતોષકારક ન હોય તો તપાસ બાદ તે સંસ્થાનું નામ નકલી યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ કરવામાં આવે છે.

સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ દિલ્હીમાં

UGC મુજબ, સૌથી વધુ 12 નકલી યુનિવર્સિટીઓ દિલ્હીમાં કાર્યરત છે. એ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ચાર, જ્યારે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 2-2 નકલી યુનિવર્સિટીઓની ઓળખ કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, હરિયાણા અને ઝારખંડમાં 1-1 નકલી યુનિવર્સિટી મળી આવી છે. UGCએ સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંસ્થાઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

એડટેક કંપનીઓને પણ ચેતવણી

રાજ્યસભામાં સરકારે જણાવ્યું કે UGCએ કેટલીક એડટેક કંપનીઓ દ્વારા ઓનલાઈન તેમ જ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) માધ્યમ હેઠળ યુનિવર્સિટીઓ સાથે મળીને ડિગ્રી અને ડિપ્લોમા કાર્યક્રમોના પ્રચાર અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે આવા ફ્રેન્ચાઇઝી મોડલને મંજૂરી આપવામાં આવતી નથી અને આ રીતે ચલાવવામાં આવતા કાર્યક્રમોને UGCની માન્યતા મળશે નહીં.

નકલી યુનિવર્સિટીની ઓળખ કેવી રીતે કરશો?

UGCએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સલાહ આપી છે કે કોઈ પણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલાં સંબંધિત યુનિવર્સિટી અને કોર્સની માન્યતા અવશ્ય તપાસવી જોઈએ.

નકલી સંસ્થાઓ સામે કેવી કાર્યવાહી થાય છે?

નકલી યુનિવર્સિટીઓ અને બિનમાન્યતા પ્રાપ્ત સંસ્થાઓ પર નજર રાખવા માટે UGCએ 30 જૂન, 1966ના રોજ એન્ટી મેલપ્રેક્ટિસ સેલની સ્થાપના કરી હતી. આ સેલ નકલી યુનિવર્સિટીઓની રાજ્યવાર યાદી પ્રકાશિત કરે છે તેમ જ રાજ્ય સરકારોને આવી સંસ્થાઓ સામે FIR નોંધાવી જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ પણ કરે છે.