દિલ્હીમાં બે અલગ-અલગ વિસ્તારોમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટના

નવી દિલ્હીઃ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાંથી એક પછી એક દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની બે ઘટનાઓ બન છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના કરોલ બાગમાં દેશબંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ ઉપરાંત દિલ્હીના કાલકાજી મંદિર નજીક આવેલા એક પાર્કમાં પણ એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પોલીસે બંને મામલામાં કાર્યવાહી શરૂ કરી છે.

દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ

દિલ્હીમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મની જાણ થતાં સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે બાળકીની તબીબી તપાસ કરાવી છે, ત્યાર બાદ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર આરોપીની ઓળખ ૩૪ વર્ષીય અંકિત તરીકે થઈ છે, જે દિલ્હીના કિશનગંજનો રહેવાસી છે. અંકિત પીડિત પરિવારને સારી રીતે ઓળખતો હતો.

કાલકાજી પાસેના પાર્કમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ

બીજી તરફ, દિલ્હીના કાલકાજી મંદિર અને ઇસ્કોન મંદિર નજીક આવેલા એક પાર્કમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પોલીસના જણાવ્યાનુસાર યુવતીએ જણાવ્યું કે તે પોતાના મિત્ર સાથે કાલકાજી મંદિર ગઈ હતી. અહીં પૂજા કર્યા બાદ તેઓ સાંજે લગભગ ૭:૩૦ વાગ્યે આસ્થા કુંજ પાર્કમાં ગયાં હતાં. આ દરમિયાન ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. તેમણે પોતાને પોલીસ કર્મચારી હોવાનું જણાવી યુવક-યુવતીને ધમકી આપી હતી. તેમાંથી એક વ્યક્તિએ યુવતીના મિત્રને પકડી લીધો અને ત્યાર બાદ ત્રણેયે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે.

દિલ્હીના કાલકાજી મંદિર નજીક થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા એક આરોપીને કથિત અથડામણ બાદ પકડી લીધો છે. આરોપીની ઓળખ આસિફ તરીકે થઈ છે. દિલ્હી પોલીસ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરી રહી છે. અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.