CJPનું સંસદ માર્ચ શરૂઃ જંતર-મંતર પર હજારો CJP સમર્થકોની ભીડ

નવી દિલ્હીઃ દિલ્હીમાં સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના મોન્સુન સત્રના પહેલા જ દિવસે રસ્તાથી લઈને સંસદ સુધી ભારે હોબાળો થવાની શક્યતા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જાહેર કરાયેલા ‘સંસદ માર્ચ’ને કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. CJPના માર્ચને હજી સુધી દિલ્હી પોલીસની મંજૂરી મળી નથી. પોલીસે તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે અને નવી દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે.

રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો બંધ

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) સોમવારે CJP દ્વારા સંસદ તરફ પ્રસ્તાવિત માર્ચને ધ્યાનમાં રાખીને રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનોને તાત્કાલિક રીતે બંધ રાખવાની જાહેરાત કરી છે.

જંતર-મંતરના પ્રવેશદ્વાર પર ભારે ભીડ ઊમટી

CJPના સંસદ માર્ચને કારણે જંતર-મંતરના પ્રવેશદ્વાર પર પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવા લાગી છે. જેને કારણે જનપથ રોડ અને કોનોટ પ્લેસ  વિસ્તારમાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.


અભિજિત દીપકે કહ્યું, અમે આ વિરોધ પ્રદર્શનને બદનામ થવા નહીં દઈએ

સંસદ માર્ચ અંગે CJPના સ્થાપક અભિજિત દીપકે જણાવ્યું કે તેમની તરફથી કોઈ પણ પ્રકારની ગેરકાયદે અથવા ખોટી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન અને આ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે તેની ખાતરી કરવી અમારી જવાબદારી છે. અમે અહીં એક મહિનાથી બેઠા છીએ. સોનમ વાંગચુકે આ આંદોલન માટે પોતાનું જીવન જોખમમાં મૂક્યું છે. અમે આ વિરોધ પ્રદર્શનને બદનામ થવા નહીં દઈએ.

હવે બોલ તેમના પાલામાં છે સૌરભ દાસ

પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કહ્યું હતું કે પ્રશાસન સરકાર સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ બહુ મોડા આવ્યા છે, પરંતુ અમે ખુલ્લેઆમ તેમની સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હજુ સુધી તેમની તરફથી કોઈ સ્પષ્ટતા મળી નથી. હવે બોલ તેમના પાલામાં છે.