નવી દિલ્હીઃ ઝારખંડ લોક સેવા પંચ (JPSC)ની 2025ની સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સામાજિક કાર્યકર હરિશરણ દેવગણે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરીને પરીક્ષાની તપાસ CBI અથવા કોઈ સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે. અરજીમાં બંધારણની કલમ 32 હેઠળ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

માત્ર 48 પ્રશ્નોના ઉત્તર આપનાર ઉમેદવાર પણ પાસ થયો
આ મામલો JPSCની સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા-2025 સાથે જોડાયેલો છે. આ પરીક્ષા 19 એપ્રિલે યોજવામાં આવી હતી અને તેનું પ્રારંભિક પરિણામ બીજી જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ એક સફળ ઉમેદવારની OMR શીટની કાર્બન કોપી સોશિયલ મિડિયા પર વાયરલ થવાની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ આરોપ લગાવવામાં આવ્યો કે ઉમેદવારે પ્રથમ પેપરમાં 100માંથી માત્ર 48 પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, તેમ છતાં તેને પરીક્ષામાં સફળ જાહેર કરવામાં આવ્યો.
હાલ CID કરી રહી છે મામલાની તપાસ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે સવાલો ઊભા થયા બાદ JPSCએ પોતે જણાવ્યું હતું કે મામલાની તપાસ CID કરી રહી છે. JPSCએ સફળ ઉમેદવારોને તેમના Paper-I અને Paper-IIની OMR કાર્બન કોપી જમા કરાવવા પણ કહ્યું હતું. તેના માટે 30 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
રાંચીમાં પ્રદર્શનકારી રાહુલની તબિયત લથડી
પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે રાંચીમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન પણ ચાલુ છે. આંદોલન 25 જુલાઈએ બાપુ વાટિકાથી શરૂ થયું હતું. ત્યાર બાદ પ્રદર્શનકારીઓ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓ પરીક્ષાની સ્વતંત્ર તપાસ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન ઉપવાસ પર બેઠેલા રાહુલની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેને સદર હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.
અરજદારની પરીક્ષા વ્યવસ્થાનું સ્વતંત્ર ઓડિટ કરાવવાની માગ
PILમાં OMR સ્કેનિંગ, કોડિંગ, મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર વ્યવસ્થાનું સ્વતંત્ર ઓડિટ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારે પુરાવાને આધારે સાચી અને ખોટી રીતે પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને અલગ કરી શકાય કે નહીં, તે જાણવા માટે પણ તપાસ કરવાની માગ કરી છે. બીજી તરફ, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે 14મી JPSC પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે.




