રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયામાં ચાલી રહેલી ત્રણ દિવસીય સંસદીય ચૂંટણીના છેલ્લા દિવસે યુક્રેને રશિયન ભૂમિ પર અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટક ડ્રોન હુમલો કર્યો છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર, યુક્રેને એકસાથે 1,600 થી વધુ ડ્રોન છોડ્યા હતા, જેમાંથી 450 થી વધુ ડ્રોન સીધા રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા.

મોસ્કોમાં 21 માળની ઇમારતમાં આગ, ઓઇલ રિફાઇનરી ક્ષતિગ્રસ્ત
મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે આ હુમલાને ઈતિહાસનો સૌથી મોટો ડ્રોન એટેક ગણાવ્યો છે. યુક્રેની ડ્રોન હુમલામાં 44 વર્ષીય મહિલા અને એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. એક ડ્રોન મોસ્કો નજીક આવેલી 21 માળની રહેણાંક ઇમારત સાથે અથડાતાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે 400 થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોસ્કોની મુખ્ય ઓઇલ રિફાઇનરીને પણ આ હુમલામાં ભારે નુકસાન પહોંચ્યું છે.
રશિયન સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે આ હુમલો રશિયાની સંસદીય ચૂંટણી પ્રક્રિયાને ખોરવી નાખવાના હેતુથી કરવામાં આવ્યો હતો. રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, યુક્રેનના ખેરસોન વિસ્તારમાં રશિયન નિયંત્રણ હેઠળના ભાગમાં એક નાગરિક બસ પર ડ્રોન પડતાં ચૂંટણી અધિકારી સહિત બે લોકોના મોત થયા હતા.

જિલેન્સ્કીએ હુમલાને ગણાવ્યો સફળ, રશિયાની ‘વોર મશીનરી’ પર પ્રહાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જિલેન્સ્કીએ આ સફળ હુમલા માટે પોતાની સેનાની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, રશિયાના અબજો ડોલરના તેલના ભંડારો અને લોજિસ્ટિક્સ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ એવા ઠેકાણાં છે જે રશિયાની ‘વોર મશીન’ ને આર્થિક અને તકનીકી બળ પૂરું પાડે છે.
રશિયાનો કીવ પર વળતો પ્રહાર: 3 બાળકો સહિત 4 ના મોત
દરમિયાન, રશિયાએ પણ યુક્રેનની રાજધાની કીવ પર રાતોરાત ભારે બોમ્બમારો કર્યો હતો. યુક્રેની અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન હુમલામાં 3 બાળકો સહિત ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. બંને દેશો વચ્ચે લાંબા અંતરના મિસાઇલ અને ડ્રોન હુમલા તેજ બનતાં યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.




