ઢાકા : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બ્લેક સી (કાળા સાગર) વિસ્તારના પોર્ટ્સ અને શિપિંગ ટર્મિનલ્સ પર વધેલા હુમલાઓને કારણે ગ્લોબલ ગ્રેઈન સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે બાંગ્લાદેશે પોતાના દેશમાં ઘઉં અને મેંદાના વધતા ભાવને અટકાવવા માટે ફરી એકવાર ભારત તરફ મોં ફેરવ્યું છે. ઓગસ્ટના અંતમાં ભારતે ઘઉંના નિકાસ પરના પ્રતિબંધો હળવા કર્યા બાદ બાંગ્લાદેશના આયાતકારોએ ૨,૦૦૦,૦૦૦ ટનથી વધુ ભારતીય ઘઉંનું બુકિંગ કરાવ્યું છે. ૨૦૨૨ પછી બંને દેશો વચ્ચે ઘઉંના વેપારનો આ સૌથી મોટો સોદો છે.
બ્લેક સી શિપિંગ રૂટ પર રશિયા અને યુક્રેનના ઘઉંના પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડતાં વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ઢાકામાં છેલ્લા એક મહિનામાં મેંદાના ભાવમાં ૧૭% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો, જેનાથી ખાદ્ય ફુગાવો વધવાની ચિંતા વધી ગઈ હતી. આ પહેલા બાંગ્લાદેશ પોતાની આયાતનો ૪૦% હિસ્સો બ્લેક સી રીજનમાંથી ખરીદતું હતું.
ભારતીય ઘઉંનો મુખ્ય ફાયદો તેનો ઓછો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ઝડપી વિતરણ છે, કારણ કે આ મોટો જથ્થો મુખ્યત્વે રેલવે નેટવર્ક દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ઘઉં હાલમાં $૪૫૦ પ્રતિ ટનથી વધુ ભાવે મળી રહ્યા છે, જ્યારે ભારતીય ઘઉં બાંગ્લાદેશને $૩૦૫ થી $૩૨૬ પ્રતિ ટનના વાજબી ભાવે ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ કરારથી માત્ર બાંગ્લાદેશને મોંઘવારીમાંથી રાહત નહીં મળે પરંતુ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ભારત એક મહત્વપૂર્ણ ખાદ્ય પુરવઠાકર્તા દેશ તરીકે ફરી ઉભરી આવશે.




