ગાંધીનગર : ભારતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને ઉચ્ચ તકનીકી શિક્ષણ ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ પોતાના આંતરરાષ્ટ્રીય સહયોગનો વિસ્તાર કર્યો છે. IIT ગાંધીનગરે સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે તાઇવાનની ત્રણ અગ્રણી યુનિવર્સિટી – નેશનલ તાઇપેઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (તાઇપેઈ ટેક), નેશનલ તાઇવાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (તાઇવાન ટેક) અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી (NCU) સાથે સામૂહિક સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે.
તાઇવાનના શિક્ષણ મંત્રાલયના ખાસ નિમંત્રણ પર ૨૦થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન IITGNના ડિરેક્ટર પ્રો. રજત મુનાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાઇવાનની મુલાકાત લીધી હતી. આ કરાર હસ્તાક્ષર સમારોહમાં ઈન્ડિયા તાઇપેઈ એસોસિએશન (ITA) ના ડાયરેક્ટર જનરલ મિનાંદ દેશપાંડે અને ત્રણેય તાઇવાની યુનિવર્સિટીના પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અન્ય ઉભરતી ટેકનોલોજીમાં શૈક્ષણિક અને સંશોધન સહયોગને મજબૂત કરવાનો છે. આ કરારથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી એક્સચેન્જ, સંયુક્ત સંશોધન, જ્ઞાનનું આદાન-પ્રદાન અને સંયુક્ત ટેલેન્ટ-ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ માટે નવી તકો ઊભી થશે.
આ પ્રસંગે IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મુનાએ જણાવ્યું હતું કે, “તાઇવાનની આ મુલાકાતે આપણને સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને એડવાન્સ્ડ એન્જિનિયરિંગમાં વિશાળ ક્ષમતા ધરાવતી સંસ્થાઓ સાથે સીધા જોડાવાની તક આપી છે. તાઇપેઈ ટેક, તાઇવાન ટેક અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી સાથેની અમારી ચર્ચાથી અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સંશોધન અને ટેલેન્ટ ટ્રેનિંગના નવા દ્વાર ખુલશે.”
તાઇવાનના શિક્ષણ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર ડૉ. કુઓ-વેઈ લિયુએ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૨૬માં ૯૭૪ ભારતીય વિદ્યાર્થી તાઇવાનમાં પીએચડી (Doctoral degrees) કરી રહ્યા છે. સેમિકન્ડક્ટરમાં ભારત-તાઇવાન સહયોગ વધારવામાં IIT ગાંધીનગર અને તેનું નવનિર્મિત ‘સામર્થ’ (SAMARTH – Silicon and Advanced Semiconductor Manufacturing Research and Training Hub) કેન્દ્ર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.”
ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે IITGN નું ‘સામર્થ’ (SAMARTH) સેન્ટર એકેડેમિક રિસર્ચ, ઔદ્યોગિક જરૂરિયાતો અને કાર્યબળ (Workforce) વિકાસને જોડવામાં તાઇવાનના વૈશ્વિક અનુભવનો સીધો લાભ મેળવશે.




