ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (E20 પેટ્રોલ) ની નીતિ સામે આમ આદમી પાર્ટી (AAP) એ મોરચો ખોલી દીધો છે. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકરો સાથે વડાપ્રધાન આવાસ તરફ પગપાળા માર્ચ કરવા નીકળ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે સુરક્ષા કારણોસર અને પરવાનગી ન લીધી હોવાનું કહીને તેમને ફિરોઝ શાહ રોડ પર જ રોકી લીધા હતા. માર્ચ અટકાવાતાં જ કેજરીવાલ અને તેમના સમર્થકો ત્યાં જ રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.

E20 પેટ્રોલ જનતા પર બળજબરીથી થોપવાનો આરોપ
ધરણા દરમિયાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, E20 પેટ્રોલે દેશવાસીઓ અને કરોડો વાહન માલિકો પર નાણાકીય અને આર્થિક રીતે વધારાનો બોજ નાખ્યો છે. કેન્દ્ર સરકારે આ નીતિ લાગુ કરતાં પહેલાં દેશના તમામ પક્ષો અને વાહન માલિકો સાથે ચર્ચા કરવી જોઈતી હતી. સરકારે આ ફ્યુઅલના ફાયદાઓની સાથે સાથે તેનાથી થતા નુકસાન વિશે પણ જનતાને માહિતગાર કરવા જોઈતા હતા, પરંતુ માત્ર પોતાનો જ સ્વાર્થ જોઈને જનતાની ચિંતાઓને નજરઅંદાજ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર સમક્ષ કેજરીવાલની 3 મુખ્ય માંગણીઓ
E20 ફ્યુઅલની નીતિ સામે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ 3 શરતો મૂકી છે. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર E20 ફ્યુઅલ અને સામાન્ય (નોર્મલ) પેટ્રોલ બંને ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી ગ્રાહકો પોતાની પસંદગી મુજબ ફ્યુઅલ પસંદ કરી શકે. ઇથેનોલ બ્લેન્ડેડ E20 ફ્યુઅલનો ભાવ સામાન્ય પેટ્રોલ કરતાં ઓછો રાખવો જોઈએ. E20 નો વિકલ્પ આપ્યા બાદ સામાન્ય પેટ્રોલની કિંમત ₹84 પ્રતિ લિટરથી ઓછી કરવી જોઈએ.
વડાપ્રધાન સાથે મુલાકાતની ઈચ્છા અને વિરોધ
કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે તેમની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ અને પક્ષના અનેક કાર્યકરો શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા છે. તેમની પાસે 2.30 લાખથી વધુ નાગરિકોની સહીઓ ધરાવતી એક વિશાળ પિટિશન (અરજી) છે. કેજરીવાલે જણાવ્યું કે તેઓ કોઈ હંગામો કરવા નથી આવ્યા, પરંતુ જનતાનો અવાજ વડાપ્રધાન સુધી પહોંચાડવા આવ્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે અમેરિકાના દબાણમાં આવીને ભારતમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનાથી સામાન્ય વાહનચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે.




