ડાબરના 100 ટકા શુદ્ધના દાવા પર FSSAIએ લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ડાબર ઇન્ડિયા લિમિટેડને મધ, ગાયનું ઘી અને ખાદ્ય તેલ સહિતનાં અનેક ઉત્પાદનોને “100 ટકા” હોવાનો દાવો કરીને વેચાણ ન કરવા માટે આદેશ આપ્યો છે. FSSAIનું કહેવું છે કે આવાં પ્રકારનાં લેબલિંગ વર્તમાન નિયમોનું ઉલ્લંઘન કરે છે.

‘100 ટકાદાવાવાળા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર રોક

સોમવારે સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે ડાબર ઇન્ડિયા લિમિટેડને ‘100 ટકા’ દાવા સાથે વેચાતાં ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં મધ, એપલ સાઇડર વિનેગર, વર્જિન કોકોનટ ઓઇલ, તલનું તેલ, ગાયનું ઘી, નાળિયેરનું પાણી, નાળિયેરનું દૂધ અને અન્ય સમાન ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

FSSAIએ શું જણાવ્યું?

FSSAIના જણાવ્યાનુસાર કંપનીની વેબસાઇટ પર વેચાતાં ઉત્પાદનોમાં “100 ટકા નેચરલ”, “100 ટકા પ્યોર”, “100 ટકા પ્યોરિટી ગેરંટી”, “100 ટકા ઓર્ગેનિક” અને “100 ટકા કોકોનટ વોટર” જેવા ભ્રામક દાવાઓ જોવા મળ્યા હતા. ફૂડ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું હતું કે આવા “100 ટકા” દાવાઓ FSS (Advertising and Claims) Regulations, 2018નું ઉલ્લંઘન કરે છે, કારણ કે આ દાવાઓ અસ્પષ્ટ, અપ્રમાણિત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે.

ઉદ્યોગ માટે અગાઉથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે FSSAIએ મે 2025માં સમગ્ર ખાદ્ય ઉદ્યોગ માટે એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં ફૂડ બિઝનેસ ઓપરેટરોને લેબલ, પેકેજિંગ અને પ્રમોશનલ સામગ્રીમાં “100 ટકા” જેવા દાવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી.

કંપનીની પ્રતિક્રિયા

સરકારી સમાચાર એજન્સી આકાશવાણી સમાચારના અહેવાલ અનુસાર, ડાબર ઇન્ડિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમને FSSAIની નોટિસ પ્રાપ્ત થઈ છે. અમે નોટિસમાં ઉલ્લેખિત મુદ્દાઓની તપાસ કરી રહ્યા છીએ.

ભ્રામક દાવાઓ સામે FSSAIની વ્યાપક ઝુંબેશ

છેલ્લા કેટલાક સમયથી FSSAI લેબલિંગ અને જાહેરાતોમાં કરવામાં આવતા ભ્રામક દાવાઓ સામે વ્યાપક અભિયાન ચલાવી રહ્યું છે. ડાબર સામે કરવામાં આવેલી કાર્યવાહી પણ આ જ અભિયાનનો એક ભાગ છે. આ પહેલાં FSSAIએ વિવિધ એનર્જી ડ્રિંક ઉત્પાદક કંપનીઓ ઉપરાંત વેસ્ટએન્ડ એગ્રો પ્રોડક્ટ્સ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ સામે પણ કાર્યવાહી કરી હતી.