વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા કસ્ટમ્સ ડ્યુટી (ટેરિફ)ને લઈને અમેરિકામાં જ વિવાદ ઊભો થયો છે. અમેરિકાનાં 25 રાજ્યોએ ટ્રમ્પ સરકાર સામે કેસ દાખલ કર્યો છે. આ રાજ્યોનો આરોપ છે કે સરકાર સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને અવગણીને બળજબરીપૂર્વક નવા ટેરિફ લાદી રહી છે.
અમેરિકાએ ગયા મહિને યુરોપિયન યુનિયન અને 59 દેશો પર ડબલ ડિજિટ દરે ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પ સરકારનો દાવો હતો કે આ દેશો બળજબરીથી કરાવવામાં આવતા શ્રમ (Forced Labor) દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓના આયાતને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
આ નવા ટેરિફ એ સમયે અમલમાં આવ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લાગુ કરાયેલા અસ્થાયી ટેરિફની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હતી. આ કેસની આગેવાની કરી રહેલી ન્યુ યોર્કની એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસ હાર્યા બાદ પ્રશાસન ફરી એક વાર નવા ટેરિફ દ્વારા સામાન્ય પરિવારો અને વેપારીઓ પર ગેરકાયદે રીતે કરનો બોજ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારને પહેલેથી જ આંચકો
ટ્રમ્પનું માનવું છે કે ઊંચા ટેરિફથી અમેરિકન ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ)ને પ્રોત્સાહન મળશે. આ વિચારસરણી હેઠળ તેમણે ગયા વર્ષે 1977ના (nternational Emergency Economic Powers Act (IEEPA)નો ઉપયોગ કરીને લગભગ તમામ દેશોમાંથી આવતા આયાતી માલ પર ભારે કર લાદ્યો હતો.
પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે IEEPA કાયદા હેઠળ સરકારને ટેરિફ લગાવવાનો અધિકાર નથી. કોર્ટના આ નિર્ણયને કારણે સરકારે આયાતકારો પાસેથી વસૂલ કરેલો કર પરત આપવો પડ્યો હતો. ત્યાર બાદ સરકારે 10 ટકાનો અસ્થાયી ટેરિફ લાગુ કર્યો હતો, જેની મુદત 24 જુલાઈની મધરાતે પૂર્ણ થઈ ગઈ.
US: 25 states sue over Trump’s latest tariffs, calling them pretext for replacing levies Supreme Court struck down, reports AP. pic.twitter.com/y1OiyvxbMJ
— Press Trust of India (@PTI_News) August 4, 2026
ટ્રેડ એક્ટની કલમ 301નો સહારો
અસ્થાયી ટેક્સ સમાપ્ત થતાં જ ટ્રમ્પ સરકારે 1974ના Trade Actની કલમ 301 (Section 301)નો ઉપયોગ કરીને 10 થી 12.5 ટકા સુધીનો નવો ટેરિફ લાગુ કર્યો. આ કાયદો રાષ્ટ્રપતિને અન્યાયી વેપાર પ્રથાઓમાં સામેલ દેશો પર કર લગાવવાની સત્તા આપે છે. આ નવો ટેરિફ એવા દેશોને અસર કરે છે જ્યાંથી અમેરિકાનો લગભગ 99 ટકા આયાત થાય છે.

