CM વિજય–ત્રિશા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય અને અભિનેત્રી ત્રિશા અંગે કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ પોલીસે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા અને ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને કસ્ટડીમાં લીધા છે. આ કાર્યવાહી બાદ રાજ્યના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. મુખ્ય મંત્રી વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK)એ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને અત્યંત ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યું છે. બીજી તરફ ભાજપે ઉદયનિધિ સ્ટાલિનની તાત્કાલિક ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવાની માગ કરી છે.

ચેન્નાઈના નીલાંગરાઈ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી પોલીસ સાથે બહાર નીકળતા સમયે પત્રકારો સાથે વાત કરતાં ઉધયનિધી સ્ટાલિને જણાવ્યું હતું કે  જે વાતો મેં ક્યારેય કહી જ નથી, તેના માટે મારી ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ મામલો લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવાનો પ્રયાસ છે. ડીએમકેના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધી સ્ટાલિન વિરુદ્ધ અભિનેત્રી ત્રિશા અને તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય અંગે કથિત માનહાનિકારક ટિપ્પણીઓને મામલે FIR નોંધાઈ છે.

ઉદયનિધિએ સત્તારૂઢ ટીવીકે (TVK) પર પણ નિશાન સાધતાં કહ્યું હતું  કે મુખ્ય મંત્રીથી લઈને મંત્રીઓ સુધી, સરકારમાં દરેક વ્યક્તિ માત્ર રીલ્સની દુનિયામાં જીવી રહી છે. તેમણે પોલીસની કાર્યવાહીને “કોમેડી” ગણાવી અને જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં કાનૂની લડત લડશે.

ઉદયનિધી સ્ટાલિન સામે કયા આરોપો નોંધાયા છે?

અહેવાલ મુજબ તંજાવુર ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં વિધાનસભાના વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ નોંધાયેલી FIRમાં અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ નીચે મુજબની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો લાગુ કરવામાં આવી છે:

  • કલમ 61ફોજદારી ષડયંત્ર (Criminal Conspiracy)
  • કલમ 196વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય અથવા દુશ્મનાવટ ફેલાવવી
  • કલમ 192હુલ્લડ અથવા રમખાણ ભડકાવવાના કે ઉશ્કેરવાના પ્રાવધાન
  • કલમ 79મહિલાની માનમર્યાદા અથવા શીલનું અપમાન
  • કલમ 296(બી) – જાહેર સ્થળે અશ્લીલ ટિપ્પણી અથવા અશોભનીય શબ્દોનો ઉપયોગ
  • કલમ 351(2) – ફોજદારી ધમકી (Criminal Intimidation)
  • કલમ 352 – જાણીબૂજીને અપમાન કરીને શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવું