પટનાઃ બાંકીપુર પેટા ચૂંટણીમાં જન સુરાજના પ્રશાંત કિશોરે શાનદાર જીત મેળવી છે. તેમણે ભાજપના નીરજ સિંહાને મોટા અંતરથી પરાજય આપ્યો છે. પ્રશાંત કિશોરે નીરજ સિંહાને 18,000થી વધુ મતોથી હરાવ્યા છે. પ્રશાંત કિશોરને 63,203 મત મળ્યા, જ્યારે નીરજ સિંહાને 44,250 મત મળ્યા. બીજી તરફ RJD ઉમેદવાર રેખાકુમારીને 14,085 મત મળ્યા હતા.
આ જીત સાથે લગભગ ત્રણ દાયકાઓ બાદ આ બેઠક ભાજપના હાથમાંથી નીકળી ગઈ છે. વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીને જીત મેળવી હતી. તેઓ 51,936 મતોથી વિજેતા બન્યા હતા. તેમણે RJDની ઉમેદવાર રેખાકુમારીને હરાવી હતી.
જીત અંગે પ્રશાંત કિશોરે શું કહ્યું?
જીત બાદ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે CM સમ્રાટ ચૌધરીની પૃષ્ઠભૂમિ આપરાધિક છે અને તેમને મુખ્ય મંત્રી જેવા પદ પર રહેવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે અમારી માગ રહેશે કે બિહારનો એવો વિકાસ થાય કે રાજ્યમાંથી લોકોનું સ્થળાંતર (પલાયન) બંધ થઈ જાય. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને અપીલ કરી હતી કે બિહાર માટે કોઈ સારા નેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવે.
ત્રણ દાયકાથી નીતિન નવીન પરિવારનો ગઢ રહેલી બાંકીપુર બેઠક
આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના કબજામાં રહી હતી. પરંતુ હવે પ્રશાંત કિશોરે તેમાં સેંધ મારી છે. માત્ર નીતિન નવીન જ આ બેઠક પરથી ચાર વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. વર્ષ 2020ની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી નીતિન નવીન આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર તથા અભિનેતા શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહાને 39,000 મતોથી હરાવ્યા હતા.
VIDEO | Bankipur Bypoll: As he is leading in vote counting, Jan Suraaj candidate Prashant Kishor (@PrashantKishor) says, “This is not an election to make an MLA, this is to give the message to the top leadership of the BJP that a good person should be made CM in Bihar, so that… pic.twitter.com/iQ48iN8pMc
— Press Trust of India (@PTI_News) August 3, 2026
વર્ષ 1995થી આ બેઠક પર ભાજપ સતત જીત હાંસલ કરતું આવ્યું છે. તે સમયે આ બેઠક “પટના પશ્ચિમ” તરીકે ઓળખાતી હતી. વર્ષ 2008માં મતવિસ્તારના પુનઃરચના (સીમાંકન) બાદ તેનું નામ “બાંકીપુર” રાખવામાં આવ્યું હતું. વર્ષ 2005માં ચૂંટણી જીત્યા બાદ નવીન કિશોર પ્રસાદ સિંહાનું અવસાન થયું હતું. ત્યાર બાદ નીતિન નવીને 2006માં આ જ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. એપ્રિલ, 2006ની પેટા ચૂંટણીમાં નીતિન નવીનને કુલ મતદાનના 80 ટકાથી વધુ મત મળ્યા હતા.




