અમેરિકા: દુનિયાભરમાં વધતી જતી પાણીની અછત અને વારંવાર પડતા દુષ્કાળ વચ્ચે એક અદ્દભૂત આવિષ્કાર સામે આવ્યો છે. ઓરેગોનના ૧૩ વર્ષના વિદ્યાર્થીએ એવી અદ્ભુત શોધ કરી છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. બીવરટનની વ્હાઇટફોર્ડ મિડલ સ્કૂલના વિદ્યાર્થી રોય કિમ (Roy Kim) એ એક એવું ડિવાઇસ/ચેમ્બર તૈયાર કર્યું છે જે વાતાવરણમાં રહેલા ભેજમાંથી પાણી ખેંચીને સિંચાઈ માટે રૂપાંતરિત કરી શકે છે. આ અનોખી શોધ બદલ તેને અમેરિકાની પ્રતિષ્ઠિત ‘2026 3M યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ’ના દેશના ટોપ-૧૦ ફાઇનલિસ્ટ્સમાં સ્થાન મળ્યું છે.
આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?
રોય કિમની આ સિસ્ટમ ‘પેલ્ટિયર મોડ્યુલ’ (Peltier module) પર કામ કરે છે. આ ટેકનોલોજી વીજળીના પ્રવાહ દ્વારા એક બાજુ ગરમી અને બીજી બાજુ ઠંડક ઉત્પન્ન કરે છે.
-
હવાનો પ્રવાહ જ્યારે ચેમ્બરમાં પ્રવેશે છે, ત્યારે તેને હૂંફાળી કરીને ફેન દ્વારા ઠંડી સપાટી તરફ ધકેલવામાં આવે છે.
-
ભેજવાળી હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવતા જ પાણીના ટીપાં (સંગ્રહિત ભેજ) માં ફેરવાઈ જાય છે.
-
આ પાણી ગળણી (Funnel) માંથી પસાર થઈને વાલ્વ દ્વારા સીધું છોડ સુધી પહોંચાડવામાં આવે છે.
આ ઉપરાંત, આ ડિવાઇસમાં જમીનનો ભેજ, તાપમાન અને વાતાવરણની આર્દ્રતા (Humidity) માપતા ખાસ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. જેથી જ્યારે જમીનને ખરેખર જરૂર હોય ત્યારે જ આપોઆપ સિંચાઈ થાય છે અને પાણીનો બગાડ અટકે છે.
નાનું ઉપકરણ, મોટો ઉદ્દેશ્ય
ટેસ્ટિંગ દરમિયાન આ પ્રોટોટાઇપે માત્ર બે કલાકમાં ૧૦ મિલીલીટર પાણી બનાવ્યું હતું. જેની પીક એફિશિયન્સી ૧૩૫.૮ ગ્રામ પ્રતિ કિલોવોટ-અવર નોંધાઈ હતી. રોય કિમે ક્લાઇમેટ ચેન્જના કારણે નદીઓ, ભૂગર્ભ જળ અને વરસાદ પર નિર્ભર ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ઇનોવેશન કર્યું છે. ભવિષ્યમાં પર્યાવરણીય એન્જિનિયર બનીને વૈશ્વિક જળ સંકટ ઉકેલવાનું આ યુવા વિજ્ઞાનીનું સપનું છે.




