નવી દિલ્હી: નીટ (NEET-UG 2026) પેપર લીક કેસની તપાસમાં CBIએ 13 આરોપીઓ વિરુદ્ધ લગભગ 20,000 પાનાંની વિગતવાર ચાર્જશીટ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરી છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના આ કેસે રાષ્ટ્રીય સ્તરે વ્યાપક ચર્ચા જગાવી હતી. સુનાવણી દરમિયાન CBIએ કોર્ટને જણાવ્યું હતું કે ચાર્જશીટ સાથે જોડાયેલા પરિશિષ્ટ (એનેક્ષર) દસ્તાવેજોને સ્કેન કરવાની પ્રક્રિયા ચાલુ છે. કોર્ટે ચાર્જશીટને રેકોર્ડ પર લઈ એજન્સીને બાકી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રીજી ઓગસ્ટે થશે.
કોર્ટમાં 20,000 પાનાંની ચાર્જશીટ દાખલ
કોર્ટે નોંધ્યું કે તેમાં દસ્તાવેજો, સાક્ષીઓનાં નિવેદનો અને જપ્ત કરાયેલી વસ્તુઓની વિગતવાર યાદી સામેલ છે. કોર્ટે CBIને પૂછ્યું હતું કે ચાર્જશીટમાં ઉલ્લેખિત નિવેદનો અને દસ્તાવેજો ક્યાં છે? તેના જવાબમાં CBIએ જણાવ્યું કે લગભગ 20,000 પાનાંના એનેક્ષર દસ્તાવેજોનું સ્કેનિંગ ચાલી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
The CBI has informed the Rouse Avenue Court that the chargesheet in the NEET UG 2026 paper leak case runs to 20,000 pages. The court took the chargesheet on record and granted the CBI time to file its annexures. The court observed that the chargesheet includes lists of documents,… pic.twitter.com/hWXijNxjxP
— IANS (@ians_india) July 29, 2026
13 આરોપીઓ સામે આરોપપત્ર દાખલ
CBIએ 13 ધરપકડ કરાયેલા આરોપીઓ સામે આરોપપત્ર દાખલ કર્યું છે. તેમના પર ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, પુરાવા નષ્ટ કરવા તથા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળના ગુનાઓના આરોપ મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત, જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, 2024 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ચાર્જશીટમાં નામ દર્શાવાયેલા તમામ 13 આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
360 સાક્ષીઓ અને 422 દસ્તાવેજો તપાસનો આધાર
CBIએ તપાસ દરમિયાન 360 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. આરોપપત્રમાં 422 દસ્તાવેજો અને 43 ભૌતિક પુરાવાઓ (Material Objects)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીનો દાવો છે કે ડિજિટલ ફોરેન્સિક રિપોર્ટ, હસ્તલેખ નિષ્ણાતોની અભિપ્રાય અને શૈક્ષણિક નિષ્ણાતોના વિશ્લેષણથી એ વાતની પુષ્ટિ થઈ છે કે પરીક્ષા પહેલાં પ્રશ્નપત્રના કેટલાક ભાગો લીક થયા હતા અને તેમાં આરોપીઓની સંડોવણી હતી.
92 સ્થળોએ દરોડા
ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ મળ્યા બાદ CBIએ 12 મે, 2026એ FIR નોંધાવી હતી. ત્યાર બાદ તરત જ 72 અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમો રચવામાં આવી હતી. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને અન્ય રાજ્યોમાં કુલ 92 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓ દરમિયાન ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન, કમ્પ્યુટરો, દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.




