US કોર્ટે ગૌતમ અદાણી, સાગર અદાણી સામેનો ફોજદારી કેસ કર્યો રદ

ન્યુ યોર્કઃ અમેરિકાની એક અદાલતે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના ફોજદારી આરોપોને રદ કરી દીધા છે. આ સાથે લગભગ બે વર્ષથી ચાલી રહેલા કથિત છેતરપિંડી અને લાંચના કેસનો અંત આવી ગયો છે. ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યુ યોર્કની US ડિસ્ટ્રિક્ટ કોર્ટે ન્યાય વિભાગ (DoJ)ની રૂલ ૪૮(એ) હેઠળની અરજી મંજૂર કરીને ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીનના ભૂતપૂર્વ CEO વિનીત જૈન સામેના ઇન્ડિક્ટમેન્ટને રદ કરી દીધું. આ આરોપોમાં સિક્યોરિટીઝ ફ્રોડ કોન્સ્પિરસી, વાયર ફ્રોડ કોન્સ્પિરસી અને સિક્યોરિટીઝ ફ્રોડનો સમાવેશ થતો હતો.

જજ નિકોલસ ગારાઉફિસે સરકારની અરજી પર વધારાની સ્પષ્ટતા માગી હતી અને તે પછી જ કેસ રદ કરવાની મંજૂરી આપી હતી. પૂર્વગ્રહ સાથેની આ કેસ બંધ કરવાનો અર્થ એ છે કે ફોજદારી કાર્યવાહી કાયમી રીતે બંધ થઈ જાય છે અને તે આરોપો ફરીથી દાખલ કરી શકાતા નથી. આ કેસ નવેમ્બર, ૨૦૨૪માં શરૂ થયો હતો. યુએસ પ્રોસિક્યુટરોએ આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન અને અન્યો ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપીને સોલર પાવર કોન્ટ્રેક્ટ મેળવવાની કાવતરામાં સામેલ હતા. આ કોન્ટ્રેક્ટમાંથી આગામી બે દાયકામાં બે અબજ ડોલરથી વધુ કર પછી નફો થવાની અપેક્ષા હતી. વધુમાં, યુએસ માર્કેટમાં ત્રણ અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરતી વખતે રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો પણ આરોપ હતો. અદાણી ગ્રુપે આ આરોપોને સતત નકાર્યા છે અને કહ્યું છે કે તેમણે લાગુ કાયદા અને નિયમનકારી જરૂરિયાતો અનુસાર કામ કર્યું છે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ની અલગ સિવિલ કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ છે. ગૌતમ અદાણીએ આરોપો સ્વીકાર્યા વિના જ અંતિમ હુકમને સંમતિ આપી છે. આ હુકમ મુજબ તેમણે ૩૦ દિવસમાં SECને છ મિલિયન ડોલરનો સિવિલ દંડ ભરવાનો છે. ટ્રમ્પ વહીવટી તંત્રે અદાલતમાં રજૂઆત કરી હતી કે હવે આ કેસ ચાલુ રાખવો ન્યાયના હિતમાં નથી.

જજ ગારાઉફિસે સ્પષ્ટ કર્યું હતું કે અદાણીએ નવેમ્બર, ૨૦૨૪માં અમેરિકામાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે DoJના નિર્ણયમાં કોઈ ભૂમિકા ભજવતું નથી. તેમણે કહ્યું કે ફેડરલ પ્રોસિક્યુટરોના કેસ પાછો ખેંચવાના નિર્ણયની સમીક્ષા કરવામાં જજોની ભૂમિકા મર્યાદિત છે. કેસ રદ થયા બાદ ગૌતમ અદાણીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું આ નિર્ણયને નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડા સન્માન સાથે સ્વીકારું છું. આ પડકારજનક સમયગાળા દરમિયાન સત્ય, ન્યાય અને કાયદાના શાસન પર અમારો વિશ્વાસ અતૂટ રહ્યો. જેમણે અમારા પર, સિસ્ટમ પર અને ભારતની ન્યાય ક્ષમતા પર વિશ્વાસ જાળવી રાખ્યો તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમે જે મહત્ત્વનું છે તે જ કરતા રહીશું – આપણા રાષ્ટ્ર માટે નિર્માણ, અમારા કરતાં વધુ ટકી રહે તેવું મૂલ્ય સર્જવું અને પોતાના કરતાં મોટા હેતુની સેવા કરવી. એ જ અમારી પ્રતિબદ્ધતા છે.