અમદાવાદ: અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ એક પોસ્ટ લખી છે. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર એવા કરણ અદાણીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પરિવારે સામનો કરેલા પડકારો વિશે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી બ્લોગ પોસ્ટ લખી છે. હિન્ડનબર્ગ રિપોર્ટના આરોપો અને યુએસ DOJની કાર્યવાહી દરમિયાન પિતાની મજબૂત મનોસ્થિતિ વિશે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા છે.
“વાવાઝોડા વચ્ચે પણ પિતાએ કામ ચાલુ રાખ્યું”
કરણ અદાણીએ લખ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં મને સૌથી વધુ એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો – “એક પુત્ર તરીકે, તમારા પિતાને આ બધું સહન કરતા જોઈને તમને કેવું લાગે છે?” ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો, પણ આજે મારી પાસે તેનો જવાબ છે.
એક બિઝનેસમેન તરીકે મેં અદાણી ગ્રૂપ પર અભૂતપૂર્વ દબાણ જોયું, પરંતુ એક પુત્ર તરીકે મેં જે જોયું તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. રોજ સવારે નવા આક્ષેપો અને હેડલાઇન્સ આવતી, ગુસ્સો અને ચિંતા થતી. પરંતુ આ બધા ઘોંઘાટ વચ્ચે પણ મારા પિતાએ ક્યારેય કામ કરવાનું બંધ ન કર્યું.
કરણ અદાણીએ ઉમેર્યું કે, “અમે માનીએ છીએ કે મુશ્કેલીઓનો સામનો કરવો એટલે મોટા ભાષણો આપવા કે વિરોધ દર્શાવવો. પણ મેં એવું કશું ન જોયું. મેં માત્ર મારા પિતાને દરરોજ સવારે ઉઠીને કામ પર જતા જોયા. પોર્ટ્સ ચલાવવાના હતા, ઘરો સુધી વીજળી પહોંચાડવાની હતી, એરપોર્ટ પર મુસાફરોની સેવા કરવાની હતી. આપણી આસપાસ ગમે તેટલું વાવાઝોડું હોય, પણ દેશનું કામ અટકતું નથી અને મારા પિતા પણ અટક્યા નહીં.”
દ્રઢ સંકલ્પ અને ચરિત્રની કસોટી
કરણ અદાણીએ પિતાની વિચારસરણી વિશે વાત કરતા જણાવ્યું:
-
કામ જ બોલે છે: પિતા હંમેશાં માનતા આવ્યા છે કે ‘કામ જ પોતાના માટે બોલે છે’. તેઓ ત્રિમાસિક નફા કે હેડલાઇન્સ માટે નહીં, પણ દાયકાઓ સુધી ચાલનારા રાષ્ટ્રનિર્માણના વિઝન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે.
-
સાચું ચરિત્ર: પ્રતિષ્ઠા લોકોના હાથમાં હોઈ શકે છે, પરંતુ દ્રઢ સંકલ્પ (Conviction) એ છે જે તમારી આસપાસ બધું જ શંકાના દાયરામાં હોય ત્યારે પણ અકબંધ રહે છે. મુશ્કેલીના સમયમાં જ માણસના સાચા ચરિત્રની ઓળખ થાય છે.
-
વર્તનમાં કોઈ બદલાવ નહીં: આટલા મોટા દબાણ વચ્ચે પણ તેમણે ક્યારેય આસપાસના લોકો કે કર્મચારીઓ સાથેના પોતાના વર્તનમાં કોઈ નકારાત્મકતા આવવા દીધી નથી.

“ભારત માટે નિર્માણ કરવાનું ચાલુ રાખીશું”
પોસ્ટના અંતમાં કરણ અદાણીએ લખ્યું કે, બાળકો તરીકે આપણે માતા-પિતા પાસેથી નામ, સંપત્તિ કે બિઝનેસ વારસામાં મેળવીએ છીએ. પરંતુ આ ત્રણ વર્ષોએ મને જે શીખવ્યું છે તે છે — આપેલા વચન પર ટકી રહેવાની હિંમત, સતત કામ કરવાની શિસ્ત અને જ્યારે આખી દુનિયા તમને રોકવા માટે બૂમો પાડતી હોય ત્યારે પણ દેશ માટે નિર્માણ (Nation Building) કરતા રહેવાનો મક્કમ નિર્ધાર.






