પાકિસ્તાની મુસ્લિમ સાંસદની UAEમાં ભારે ફજેતી

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પાકિસ્તાનના ભૂતપૂર્વ નેશનલ એસેમ્બલી સ્પીકર અને વર્તમાન સાંસદ અસદ કૈસરને એક હોટેલમાં રોકાવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પાકિસ્તાની સાંસદનો દાવો છે કે ફ્લાઇટ રદ થયા બાદ જ્યારે તેઓ હોટેલમાં રોકાવા ગયા ત્યારે ત્યાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે માત્ર ભારતીય અને અમેરિકન પાસપોર્ટ ધરાવતા લોકોને જ રહેવાની જગ્યા આપવામાં આવશે. આ ઘટના બાદ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ફ્લાઇટ રદ થયા બાદ એરપોર્ટ પર થયો મોટો ડ્રામા

પાકિસ્તાની સંસદમાં બોલતાં PTI નેતા અને ભૂતપૂર્વ સ્પીકર અસદ કૈસરે આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ UAEની યાત્રા કરી રહ્યા હતા. તેમની ફ્લાઇટ અચાનક રદ થઈ ગઈ. ફ્લાઇટ રદ થયા બાદ જ્યારે તેઓ અને અન્ય પાકિસ્તાની મુસાફરો રોકાવા માટે હોટેલ શોધી રહ્યા હતા ત્યારે ત્યાં એક જાહેરાત કરવામાં આવી હતી. અસદ કૈસરના જણાવ્યાનુસાર  જાહેરમાં જાહેરાત કરવામાં આવી હતી કે માત્ર ભારત અને અમેરિકાના પાસપોર્ટ ધરાવતા લોકોને જ હોટેલમાં રોકાવાની સુવિધા આપવામાં આવશે.

અસદ કૈસરે સંસદમાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનીઓ પ્રત્યે તેમનું વલણ બિલકુલ સારું નહોતું. UAEને ભાઈચારા ધરાવતો ઇસ્લામિક દેશ ગણાવતાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનીઓ સાથે કરવામાં આવેલા આ અનુચિત અને ભેદભાવપૂર્ણ વ્યવહારનો તેમણે ઘટનાસ્થળે જ સખત વિરોધ નોંધાવ્યો હતો.


કોણ છે અસદ કૈસર?

અસદ કૈસર પાકિસ્તાનના રાજકારણના એક વરિષ્ઠ નેતા છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના અગ્રણી નેતાઓમાંના એક છે. અસદ કૈસર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સ્પીકર રહી ચૂક્યા છે અને હાલમાં પણ સાંસદ છે.

વિદેશ મંત્રાલય પાસે રાજદ્વારી હસ્તક્ષેપની માગ

આ ઘટનાથી દુઃખી સાંસદ અસદ કૈસરે પાકિસ્તાનના ફોરેન ઓફિસ અને વિદેશ મંત્રી પાસે આ મામલે તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને UAE વચ્ચે હંમેશાં સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે, તેથી વિદેશ મંત્રાલયે UAEના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો મજબૂતીથી ઉઠાવવો જોઈએ.