નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાના 65 અબજ બેરલથી વધુ પ્રમાણિત ક્રૂડ ઓઇલના ભંડાર પર નિયંત્રણ મેળવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણયની જાણકારી આપતાં તેને “વિશ્વ ઇતિહાસનો સૌથી મોટો ઓઇલ સોદો” ગણાવ્યો છે.
કયા નેતાઓ વચ્ચે થયો આ ઐતિહાસિક કરાર?
રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યાનુસાર આ હાઇ-પ્રોફાઇલ સોદાની રૂપરેખા અને વાટાઘાટો અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ વચ્ચેની સઘન રાજદ્વારી ચર્ચા બાદ નક્કી કરવામાં આવી છે. આ કરારમાં ખાનગી વેપારી ક્ષેત્રો સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિશાળ ઓઇલ સોદો મેળવવા માટે અમેરિકાના કરદાતાઓના એક પણ ડોલરનો ખર્ચ થયો નથી.
ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ કરારની જાહેરાત કરી હતી. તેમણે આ માટે માર્કો રુબિયો, પીટ હેગસેથ અને ડેલ્સી રોડ્રિગેઝને શ્રેય આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે આ કરાર અમેરિકાના ઓઇલ ભંડારને બમણાથી પણ વધુ કરી દેશે અને લાંબા સમય સુધી અમેરિકન લોકો માટે ગેસની કિંમતોમાં મોટો ઘટાડો લાવશે. ટ્રમ્પે આને વેનેઝુએલા માટે પણ મોટો લાભ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ કરાર દેશને ‘ખૂબ મોટી સફળતા અને સમૃદ્ધિ’ તરફ લઈ જવામાં મદદ કરશે. એ સાથે જ તેમણે કહ્યું હતું કે આનાથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
BREAKING NEWS: The United States of America has just entered into an Agreement with the Country of Venezuela on, THE BIGGEST OIL DEAL IN WORLD HISTORY! At my direction, Secretary of State Marco Rubio, and Secretary of War Pete Hegseth, working closely with Highly Respected… pic.twitter.com/lLl44Fp7cs
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) August 28, 2026
અત્યારે જ કેમ થયો આ કરાર?
આ જાહેરાત તે ઘટનાના લગભગ નવ મહિના બાદ થઈ છે, જ્યારે ટ્રમ્પના આદેશ પર અમેરિકન સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. માદુરોને અમેરિકા લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલા સંઘીય આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.




