જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. કઠુઆના બસોહલી સ્થિત મશકા વિસ્તારમાં આવેલા સેવા પાવર પ્રોજેક્ટના CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ) કેમ્પમાં એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ અંધાધૂંધ ગોળીબારમાં 4 જવાનોના મોત નીપજ્યા છે, જેમાં એક એસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક સબ-ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ કઠુઆ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે.

અંદરોઅંદરના વિવાદ બાદ ફાયરિંગ, 4 ના નીપજ્યા મોત
પ્રાથમિક માહિતી મુજબ, પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત CISF ના જવાનો વચ્ચે કોઈ બાબતે તીવ્ર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે 2009 બેચના જવાન અભિદેશ સિંહે પોતાની પાસે રહેલી સરકારી AK-47 રાઇફલથી સાથીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જાણકારી મુજબ જવાન પાસે 150 રાઉન્ડ ગોળીઓ હતી. ફાયરિંગમાં 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તમામના મોત નીપજ્યા હતા.
મૃતક જવાનોની ઓળખ કોન્સ્ટેબલ રફીક અહમદ, કોન્સ્ટેબલ સંદીપ કુમાર, એસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે અને સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહ તરીકે થઈ છે.
પોલીસ અને CISF દ્વારા આંતરિક તપાસ શરૂ
કઠુઆ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ બહારથી થયેલો આતંકી કે સુરક્ષા હુમલો નથી, પરંતુ ફોર્સના જવાનો વચ્ચેનો આંતરિક વિવાદ હતો. જોકે, ગોળીબાર પાછળનું મુખ્ય કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આરોપી જવાન અભિદેશ સિંહની ધરપકડ કરીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, CISF દ્વારા પણ આ ગંભીર ઘટનાની ઉચ્ચ સ્તરીય આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.




