પાર્ટી ફંડને નામે EMIમાં લાંચ લેતી હતી DMK: CM વિજયનો આરોપ

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી વિજયે સોમવારે વિધાનસભામાં DMK પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારી કામોના કોન્ટ્રેક્ટરો પાસેથી પાર્ટી ફંડને નામે લાંચ લેવામાં આવતી હતી. વિજયે દાવો કર્યો કે આ રકમ એકસાથે નહીં, પરંતુ લોનની EMIની જેમ હપતામાં વસૂલવામાં આવતી હતી.

પાર્ટી ફંડને નામે લેવામાં આવી લાંચ

વિજયે કહ્યું હતું કે આ રકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એન્ડ વોટર સપ્લાય એટલે કે MAWS વિભાગ હેઠળ સરકારી કામ કરતા કોન્ટ્રેક્ટરો પાસેથી લેવામાં આવી હતી. તેમણે EDના દસ્તાવેજનો હવાલો આપતાં કહ્યું હતું કે સત્તામાં રહેલી પાર્ટીના ફાયદા માટે પાર્ટી ફંડને નામે લાંચ વસૂલવામાં આવી હતી. વિજયે કહ્યું હતું કે દસ્તાવેજમાં જે સમયગાળાનો ઉલ્લેખ છે, તે સમયે તામિલનાડુમાં DMKની સરકાર હતી. તેમણે દસ્તાવેજમાં જણાવાયેલા પુરુષોત્તમ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો. વિજયના જણાવ્યાનુસાર પુરુષોત્તમના માધ્યમથી 29 લાખ રૂપિયા લાંચ તરીકે વસૂલવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આ માત્ર 29 લાખ રૂપિયાની રકમ નહોતી, પરંતુ તેને લોનની EMIની જેમ હપતામાં લેવામાં આવી હતી.

સ્ટાલિન અને ઉદયનિધિનું પણ નામ લીધું

વિજયે EDના દસ્તાવેજનો હવાલો આપતાં દાવો કર્યો કે તેમાં મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન અને તેમના પુત્ર તથા તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને કથિત રીતે સીધો લાભ મેળવનારા લોકો તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે રવિ પ્રસાદ અને અન્ય કેટલાક અજાણ્યા લોકોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો. વિજયે ભારપૂર્વક કહ્યું હતું કે આ આરોપો તેમના દ્વારા લગાવવામાં આવેલા નથી, પરંતુ EDના દસ્તાવેજમાં નોંધાયેલા આરોપો છે.

સરકારી કમિશનના અહેવાલનો પણ ઉલ્લેખ

વિજયે DMKના અગાઉના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપોને લઈને સરકારી કમિશનના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે વીરાણમ પાણી પુરવઠા યોજનાનું ઉદાહરણ આપતા દાવો કર્યો કે અહેવાલના એક અધ્યાયમાં 16 કરોડ રૂપિયાના ટેન્ડર પર 2.5 ટકા પાર્ટી ફંડ માગવામાં આવ્યું હોવાનો આરોપ હતો. વિજયના નિવેદન બાદ વિધાનસભામાં ભારે હંગામો થયો. મુખ્ય વિપક્ષે તેમના નિવેદનનો વિરોધ કર્યો. DMKના ધારાસભ્યો સ્પીકર JCD પ્રભાકરના પોડિયમ પાસે પહોંચી ગયા, નારેબાજી કરી અને ગૃહના વેલમાં ઊતરી ગયા હતા.