ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા “બાપ્પા માટીના, ઉત્સવ પર્યાવરણનો” સંકલ્પ સાથે આસ્થા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના ઉમદા હેતુથી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. GPCB વડી કચેરી ખાતે આયોજિત વિશેષ સ્ટોલ અને વર્કશોપનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ સ્વયં માટીમાંથી ગણેશજીની પ્રતિમા કંડારી હતી અને સ્થાનિક કલાકારો પાસેથી મૂર્તિ નિર્માણની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી.
પીઓપી અને રાસાયણિક રંગો સામે પર્યાવરણમિત્ર વિકલ્પ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ગણેશોત્સવ એ આપણી આસ્થાનું પર્વ છે. પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને રાસાયણિક રંગોથી જળાશયોને થતું નુકસાન અટકાવવું આપણી નૈતિક ફરજ છે.” તેમણે ઉમેર્યું કે, “માટીના ગણેશજીની સ્થાપના અને ઘરઆંગણે કે બગીચામાં પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્તિ સાથે પ્રકૃતિનું જતન કરી શકીએ છીએ.” મંત્રીએ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) મારફતે વિશેષ મોલ્ડ અને ડિઝાઇન વિકસાવવાનું સૂચન પણ કર્યું હતું.
નગરપાલિકાથી ગામડાં સુધી જાગૃતિ અભિયાન
રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ માહિતી આપતાં જણાવ્યું કે, “આ પહેલનો વ્યાપક પ્રચાર-પ્રસાર સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયત સ્તરે ચોક્કસ SOP દ્વારા કરવામાં આવશે. જેનાથી પર્યાવરણ રક્ષણની સાથે સ્થાનિક કારીગરોને આજીવિકા પણ પ્રાપ્ત થશે.”
૧૪ સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે વર્કશોપ
GPCB ખાતે ૭ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન તમામ નાગરિકો માટે આ વર્કશોપનું આયોજન કરાયું છે. નિષ્ણાંત કલાકારોના માર્ગદર્શન હેઠળ નાગરિકો પોતાની હાથે માટીના ગણપતિ બનાવીને વિનામૂલ્યે ઘરે લઈ જઈ શકશે. આ ઉપરાંત, જનજાગૃતિ માટે રેડિયો સંદેશા, અમદાવાદના ૫૦ પંડાલોમાં શેરી નાટકો અને શાળા-કોલેજોમાં માટીના ગણેશ નિર્માણના વર્કશોપ પણ યોજાશે.
આ કાર્યક્રમમાં GPCB અધ્યક્ષ આર.બી.બારડ, સભ્ય સચિવ દિપાલી ટાંક સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.



