NIFT ગાંધીનગર ખાતે ૨૫૮ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

ગાંધીનગર : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ખાતે વર્ષ ૨૦૨૬નો પદવીદાન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ સમારોહમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સના કુલ ૨૫૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ આયોજન નવી દિલ્હી ખાતે યોજાયેલા NIFTના સંયુક્ત પદવીદાન સમારોહ બાદ યોજાયું હતું. જેમાં દેશભરના ૧૮ કેમ્પસના ૩,૭૯૩ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ડિગ્રી એનાયત કરાઈ હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રેરણાદાયી સંબોધન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર માત્ર ભારતીય સંસ્કૃતિનો વારસો નથી. પરંતુ લાખો લોકોની રોજીરોટીનો મુખ્ય આધાર છે. તેમણે ગ્રેજ્યુએટ્સને અપીલ કરી હતી કે તેઓ ભારતના સાંસ્કૃતિક મૂળ અને પરંપરાગત કલા-કારીગરી સાથે જોડાયેલા રહીને વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ મજબૂત કરે. રાષ્ટ્રપતિએ પર્યાવરણ પ્રત્યે જવાબદાર પદ્ધતિઓ, વેસ્ટ-ટેક્સટાઇલનો પુનઃઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

વિવિધ વિદ્યાશાખાઓ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા

NIFT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે ગ્રેજ્યુએટિંગ બેચમાં ફેશન કોમ્યુનિકેશન (૪૫), એક્સેસરી ડિઝાઇન (૪૧), ફેશન ડિઝાઇન (૩૮), ફેશન મેનેજમેન્ટ (૩૭), માસ્ટર ઓફ ડિઝાઇન – સ્પેસ (૩૫), ટેક્સટાઇલ ડિઝાઇન (૩૩) અને ફેશન ટેકનોલોજી (૨૯) ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન

આ સમારોહમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને વિશેષ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા:

  • નેશનલ ગોલ્ડ મેડલ: માસ્ટર ઓફ ડિઝાઇન (સ્પેસ)ના વિદ્યાર્થી આશિષ કામતા પ્રસાદ મિશ્રાને તમામ NIFT કેમ્પસમાં શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો.

  • બેસ્ટ એકેડેમિક પર્ફોર્મન્સ એવોર્ડ: કુ. નંદિની સહાય (FMS), કુ. કૃતિ ગુપ્તા (AD), કુ. પ્રતિભા ગુપ્તા (FC), કુ. સુથાર વિધિ નિરવકુમાર (FD), કુ. જ્યોતિ યાદવ (TD), અને કુ. દીપિકા એન. (FT).

  • વિશેષ એવોર્ડ્સ: કુ. નાડિયા ગરવા (TD)ને ‘NIFT એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્વિસ એવોર્ડ’ અને કુ. દામાણી યુતિકા રામકુમાર (FC)ને ‘NIFT સ્ટુડન્ટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.આ સમારોહ સાથે NIFT ગાંધીનગરે ફેશન, ડિઝાઇન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભવિષ્યના સર્જનાત્મક નેતાઓ ઘડવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.