નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે અભ્યાસ કરવા આવે છે. માતા-પિતા પોતાના સંતાનોને કેટલી આશાઓ સાથે દિલ્હી મોકલે છે, તે વાત ભારતનો દરેક પરિવાર સારી રીતે સમજે છે. પરંતુ જ્યારે ઘરથી દૂર ગયેલું બાળક ક્યારેય પાછું જ ન આવે ત્યારે શું થાય?

છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં છ ઇમારતો તૂટી પડી હતી, જેમાં 35 લોકોનાં મોત થયાં હતાં.
દિલ્હીના સત્ય નિકેતનમાં તાજેતરમાં આવું જ બન્યું. સત્ય નિકેતન એ સાંકડી ગલી છે, જ્યાં દિલ્હી યુનિવર્સિટીની અલગ-અલગ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ PG અથવા ભાડાના રૂમમાં રહે છે. અહીં રવિવારે (6 સપ્ટેમ્બર) આવી જ એક PG ધરાવતી ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ અને વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
જુલાઈમાં રોહિણીમાં ઇમારત ધરાશાયી, 3 મજૂરોનાં મોત
આ વર્ષે જુલાઈમાં રોહિણી વિસ્તારમાં ચાર માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
સાકેત મેટ્રો સ્ટેશન પાસે ધરાશાયી થઈ હતી ઇમારત
આ પહેલાં 30 મેએ સાકેત/મહેરૌલી નજીકના સૈદુલાજાબ વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં છ લોકોનાં મોત થયાં હતાં. આ ઇમારત સાકેત મેટ્રો સ્ટેશન નજીક આવેલી હતી. તેને પણ ગેરકાયદે ગણાવવામાં આવી હતી.

વેલકમ વિસ્તારમાં ધરાશાયી થયું હતું જૂનું મકાન
જુલાઈ, 2025માં ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. તેમાં અનેક લોકોનાં મોત થયા હતા. ઇમારત જૂની અને જર્જરિત હોવાથી તે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ રહેણાંક ઇમારત હતી, જેમાં 10થી વધુ લોકો રહેતા હતા.
પહાડગંજ અકસ્માતમાં ત્રણનાં મોત
17 મે 2025એ પહાડગંજમાં નિર્માણાધીન ઇમારતનું બેઝમેન્ટ ધરાશાયી થતાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતાં. ભારે પવન અને વરસાદને કારણે આ ઇમારત ધરાશાયી થઈ હતી અને તેના કાટમાળ નીચે દબાઈને ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.
મુસ્તફાબાદ અકસ્માતમાં 11 લોકોનાં મોત
18 એપ્રિલ 2025એ મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયા હતા. તે સમયે પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તાર ગેરકાયદે હતો અને કાર્યવાહી કરવામાં આવશે.




