કોલંબોઃ શ્રીલંકાના રાજકારણમાં ફરી એક વાર રાજપક્ષે પરિવાર ચર્ચામાં આવ્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના મોટા પુત્ર અને શ્રીલંકા પોદુજના પેરામુના (SLPP)ના સાંસદ નમલ રાજપક્ષેની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અથવા લાંચના આરોપોની તપાસ કરતી કમિશન (CIABOC)એ શુક્રવારે તેમની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એરબસ ડીલ સાથે જોડાયેલો છે મામલો
નમલ રાજપક્ષેને શ્રીલંકન એરલાઇન્સ માટે વાઇડ-બોડી વિમાનની ખરીદી સાથે જોડાયેલા કથિત લાંચના કેસની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને ચોથી સપ્ટેમ્બરે કમિશન સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નમલે તેમની હાજરીની તારીખ બદલીને ત્રીજી સપ્ટેમ્બર કરવાની વિનંતી કરી હતી, પરંતુ કમિશને તેમની વિનંતી સ્વીકારી નહોતી અને નિર્ધારિત તારીખે જ હાજર થવા જણાવ્યું હતું.
SLPP MP Namal Rajapaksa was arrested by the Bribery Commission, after he came to provide a statement pertaining to the Airbus deal pic.twitter.com/3QjlU6UsTn
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 4, 2026
પાંચ કલાકની પૂછપરછ બાદ ધરપકડ
નમલ શુક્રવારે સવારે નવ વાગ્યે CIABOC સમક્ષ હાજર થયા અને કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું. કમિશનના અધિકારીઓએ તેમની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી. કમિશને અગાઉ જ ચેતવણી આપી હતી કે નિર્ધારિત તારીખે હાજર નહીં થાય તો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

કોણ છે નમલ રાજપક્ષે?
લક્ષ્મણ નમલ રાજપક્ષે શ્રીલંકાના વકીલ અને રાજકારણી છે. તેઓ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના સૌથી મોટા પુત્ર છે અને હાલમાં સાંસદ છે. નમલ 2020થી 2022 દરમિયાન શ્રીલંકાના યુવા અને રમતગમત મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે રાજપક્ષે પરિવાર સાથે જોડાયેલા રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને શાસન સાથે સંકળાયેલા જૂના મામલાઓની તપાસ તેજ થતી જોવા મળી રહી છે.




