બલૂચ નેતાએ ‘પાકિસ્તાની PM’ને ગણાવ્યો ચીનનો વોચમેન

નવી દિલ્હીઃ બલૂચ નેતા સાદિક બલૂચે મોહમ્મદ અલી જિન્નાથી લઈને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સુધી, બલૂચિસ્તાન પર થયેલા અત્યાચાર અને બલૂચ લોકોની પીડા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીન મળીને બલૂચિસ્તાનમાં વિકાસના જે દાવા કરે છે, તે ખોટા છે. તેમના કહેવા મુજબ બંને મળીને બલૂચોના કુદરતી સંસાધનોની લૂંટ ચલાવી રહ્યા છે. અહીં સારી હોસ્પિટલો, શુદ્ધ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.પાકિસ્તાનને ગણાવ્યું ચીનનું બગલ બચ્ચું

તેમણે કહ્યું કે હાલ પાકિસ્તાન ચીનનું “બગલ બચ્ચું” બની ગયું છે અને તેના માધ્યમથી ચીન બલૂચોનાં સંસાધનો પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે પાકિસ્તાન ચીનનું બગલ બચ્ચું છે. ચીન તેની મદદથી બલૂચોનાં સંસાધનો લૂંટી રહ્યું છે. પાકિસ્તાન ચીન સાથે સોદા કરી રહ્યું છે અને અમેરિકા જઈને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ અહીંની ઉપજાઉ જમીન અંગે ચર્ચા કરીને આવ્યું છે. ગ્વાદર બંદર અને CPEC (ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) અંગે તેમણે કહ્યું હતું કે જો બલૂચ લોકો ચીનને કહે કે અમને તમારો દેશ આપી દો, અમે તેને વિકસાવીશું, તો શું ચીન તે માટે તૈયાર થશે?

શહબાઝ શરીફને ગણાવ્યા ચીનના વોચમેન

શહબાઝ શરીફ તરફ સંકેત કરતાં તેમણે કહ્યું હતું આ પંજાબી નેતા ચીનનો વોચમેન બનીને માત્ર પોતાની દૈનિક કમાણી કરી રહ્યો છે. તેમાંથી તેના થોડાક લોકોનું ગુજરાન ચાલે છે, પરંતુ બલૂચોને કોઈ લાભ થતો નથી. તેમણે જણાવ્યું કે બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ મળતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની સત્તામાં પંજાબીઓનું પ્રભુત્વ છે અને તેમણે બલૂચિસ્તાન પર બળજબરીથી કબજો કર્યો છે, પરંતુ તેના વિકાસ માટે કોઈ ધ્યાન આપ્યું નથી. પાકિસ્તાન નથી ઇચ્છતું કે અહીંનાં બાળકો શિક્ષિત બની પોતાના હકોની માગ કરે.

1948માં પાકિસ્તાને બળજબરીથી કબજો કર્યો

સાદિક બલૂચના જણાવ્યા મુજબ 1947માં પાકિસ્તાન બન્યા પછી 27 માર્ચ, 1948એ પાકિસ્તાને બળજબરીથી બલૂચિસ્તાન પર કબજો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોહમ્મદ અલી બલોચ રાષ્ટ્રના કર્મચારી હતા, પરંતુ તેઓ મોહમ્મદ અલી જિન્ના નહોતા. જિન્ના અમારા નેતા નથી.