વાસ્તુ: સોસાયટી કમિટી સેવા માટે છે, સત્તા માટે નહીં

વેલફેર અને મેનેજમેન્ટનો ભેદ ન સમજતા લોકો ઘણીવાર સોસાયટી મેનેજમેન્ટને ‘વેલફેર કમિટી’ કહેતા હોય છે. હકીકતમાં મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન અને વેલફેર એટલે કલ્યાણ. પોતે કોઈનું કલ્યાણ કરી રહ્યા છીએ એવો ભાવ ઘણી વખત અભિમાન પેદા કરે છે. જ્યારે સોસાયટીમાં તો સમાનતા અને સહભાગિતાની ભાવના હોવી જોઈએ. જે કલ્યાણ કરે છે, તેને લોકો પગે લાગે એવી અપેક્ષા પણ જન્મી શકે, જે સોસાયટીના સ્વસ્થ બંધારણ માટે ઘાતક સાબિત થાય છે.

કમિટી સેવા માટે બને છે, સત્તા માટે નહીં. તો પછી અધિકારની ભાવના શા માટે? જ્યાં માનવીય મૂલ્યો ભૂલાઈ જાય, એવી સોસાયટીમાં ઘર લેતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે આપેલા ઈ-મેઇલ પર મોકલી શકો છો.

પ્રશ્ન: અમારી સોસાયટીની મેનેજમેન્ટ કમિટી દ્વારા પીવાનું પાણી બંધ કરી દેવાયું. ઘરની બહારથી કચરો ઉપાડવાનું પણ બંધ કરી દેવાયું. તપાસ કરતાં ખબર પડી કે અમે ભરેલા પૈસાનો તેમની ઓફિસમાં જ ગોટાળો થયો હતો. એકબીજા પર આક્ષેપ કરવા સિવાય તેઓ માત્ર ધમકીઓ આપે છે.

મીટિંગમાં પણ બહાર બાઉન્સર ઉભા રાખે છે, જેથી તેમના પસંદગીના લોકો જ અંદર જઈ શકે અને તેમને અનુકૂળ નિર્ણયો લઈ શકે. હવે ઘરને સીલ કરવાની ધમકી આપે છે. જાણે અમે કોઈ અપરાધી હોઈએ એવો વ્યવહાર કરે છે. જાહેરમાં અમારું નામ ડિફોલ્ટર તરીકે મૂકે છે, જ્યારે તે સાચું નથી. ફરિયાદ કરીએ તો રસીદ આપતા નથી. કોઈ યોગ્ય રેકોર્ડ કે ચોપડા પણ નથી રાખતા. હવે અમે શું કરીએ?

જવાબ: તમે પણ સોસાયટીના એટલા જ અધિકૃત સભ્ય છો જેટલા કમિટીના સભ્યો છે. તેઓ કોઈ પર ઉપકાર કરતા નથી; તેઓ માત્ર વ્યવસ્થાપન માટે ચૂંટાયેલા પ્રતિનિધિ છે.

તમારા કેટલાક કાનૂની અધિકારો જાણો:

  1. તમારા નામને જાહેરમાં ડિફોલ્ટર તરીકે મૂકવું કાયદેસર નથી.
  2. પીવાનું પાણી, કચરો ઉપાડવા જેવી મૂળભૂત સેવાઓ બંધ કરી શકાતી નથી.
  3. ઇનવર્ડ રજિસ્ટર રાખવું ફરજિયાત છે.
  4. દરેક મીટિંગની મિનિટ્સ લખવી જરૂરી છે. તેની નકલ માંગો.
  5. તમારી વ્યક્તિગત માહિતી જાહેરમાં મૂકી શકાતી નથી.
  6. કોઈને ડિફોલ્ટર જાહેર કરતાં પહેલાં કાયદેસરની પ્રક્રિયા કરવી જરૂરી છે.

સરકાર દ્વારા બનાવાયેલા નિયમોનું અજ્ઞાન જ આવા લોકોને ગેરરીતિ કરવાની હિંમત આપે છે. જરૂર પડે તો સોસાયટી રજિસ્ટ્રાર ઓફિસમાં લેખિત ફરિયાદ કરો. તમને ચોક્કસ ન્યાય મળી શકે છે. શક્ય હોય તો ભવિષ્યમાં આવા લોકોને કમિટીમાં ન ચૂંટો અને સારા તથા જવાબદાર લોકોને ચૂંટણી લડવા પ્રોત્સાહિત કરો.

પ્રશ્ન: આજે લોકો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. નાના બાળકો પણ નાની વાતમાં ઘાતક હુમલા કરે છે. શું તેનું કારણ નવી શાળાઓમાં રહેલા વાસ્તુદોષ હોઈ શકે?

જવાબ: આપણે વાસ્તુને માત્ર ઘરના નકશા સુધી સીમિત કરી દીધું છે. કેટલાક અજાણ્યા લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને અનેક ભ્રમણાઓ ફેલાવે છે. વાસ્તુ માત્ર ઇમારત સાથે નહીં, પરંતુ જીવનશૈલી, કર્મ અને વિચારસરણી સાથે પણ જોડાયેલું છે. મકાન, જીવનશૈલી અને કર્મ—આ ત્રણેયમાં સકારાત્મકતા લાવવાથી સમાજમાં પણ સકારાત્મક ફેરફાર આવી શકે. સાથે સાથે યોગ્ય નિષ્ણાતની ઓળખ કરવાની સમજણ પણ જરૂરી છે. હીરો ખરીદવા માટે કુંભારની સલાહ લેવામાં આવતી નથી, એ જ રીતે દરેક વિષય માટે યોગ્ય જાણકારનો જ માર્ગદર્શન લેવો જોઈએ.

પ્રશ્ન: આજે એક જાહેરાત જોઈ. એક વ્યક્તિ દાવો કરે છે કે તેના પગે લાગવાથી ઈચ્છાપૂર્તિ થાય છે અને તે માટે ઓનલાઈન પૈસા માંગે છે. આ તો છેતરપિંડી નથી? કયો ધર્મ આવું શીખવે છે?

જવાબ: “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે.” જ્યાં લોકો મહેનત વગર સરળ રસ્તે સુખ મેળવવા ઇચ્છે છે, ત્યાં આવા લોકો જન્મ લે છે. શાસ્ત્રો વિજ્ઞાન, તર્ક અને સાધનાની વાત કરે છે, ચમત્કારોની નહીં. આવા ભ્રામક દાવાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.

સૂચન: જો સોસાયટી ઓફિસમાં બેઠક વ્યવસ્થા ઉત્તરમુખી હોય તો કેટલીક માન્યતાઓ અનુસાર વ્યવહારમાં લેવડદેવડની ભાવના વધી શકે છે. તેથી તેને પૂર્વમુખી રાખવાની સલાહ આપવામાં આવે છે.

(આપના સવાલો મોકલી આપો ઈ-મેઇલ: vastunirmaan@gmail.com )