જીવન પરિવર્તનશીલ છે. આત્મા તો દેહમાં અમુક સમય માટે જ રહે છે. દેહ તો આત્માનું ભાડાનું ઘર છે. આ બધું
સમજવા છતાં માણસ ઘણી એવી બાબતો કરે છે, જેમાં નૈતિકતા હોતી નથી. માયા છોડવાની સૂફિયાણી વાત સાંભળીને પણ માણસ તરત જ એ સલાહ આપનારના ચરણોમાં પૈસા કે ભેટ મૂકી એમના માટે જ માયા ઊભી કરે છે.
ભારતમાં સૌથી મોટી સમસ્યાઓમાંની એક ભાડાના ઘરની છે. પહેલાં લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘર ભાડે આપતા હતા, પરંતુ હવે તે એક વ્યવસાય બની ગયો છે. માત્ર પૈસા કમાવાની લાલચમાં, કોઈ લાગણી વિના ઘર ભાડે આપવું અને ભાડુઆત છેતરાય એવી વૃત્તિ રાખવી—આવા લોકો પણ હવે સમાજનો ભાગ બની ગયા છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂરથી પૂછી શકો છો.
સ: અમે મૂળ મુંબઈના છીએ. નોકરી માટે અમદાવાદ આવવાનું થયું. ભાડાનું ઘર શોધવામાં અને પછી ત્યાં રહેવામાં જે અનુભવ થયો, ત્યાર પછી સમજાયું કે અમદાવાદ ક્યારેય મુંબઈ જેવું બની શકે નહીં. અહીં લોકો ઘણા અલગ છે.
અમે ઘરના એડવાન્સ પૈસા આપ્યા ત્યારે મકાનમાલિકે જે સુવિધાઓ આપવાનું કહ્યું હતું, તેમાંથી ઘણી વસ્તુઓ અમે ઘર ખોલ્યું ત્યારે જ ગાયબ હતી. પૂછતાં તેમણે ઉદ્ધત જવાબ આપ્યો કે, “સામાન સાથે ભૂલથી જતું રહ્યું હશે.”

બીજું, તેમણે અમને કહ્યું હતું કે તેઓ પોતે જ આ મકાનમાં રહેતા હતા, પરંતુ પછી ખબર પડી કે અમારા પહેલાં બે ભાડુઆત માત્ર પંદર-પંદર દિવસ રહીને જતા રહ્યા હતા અને બંનેના બે મહિનાના એડવાન્સ પણ તેમણે પરત આપ્યા નહોતા.
અમે બંને નોકરી કરતાં હોવાથી અમુક બાબતો ચલાવી લીધી. એક રાત્રે મારા પતિની તબિયત બગડતાં અમે હોસ્પિટલ ગયા. એ દરમિયાન રાત્રે બે વાગ્યે મારા પતિના ફોન પર સતત કોલ આવવા લાગ્યા. મેં ફોન ઉપાડ્યો તો નીચેના ફ્લેટના માલિક અપશબ્દો બોલી રહ્યા હતા. મેં ફોન મૂકી દીધો, તો મકાનમાલિકનો ધમકીભર્યો મેસેજ આવ્યો કે, “તમારા ઘરમાંથી બહુ અવાજ આવે છે અને પડોશીઓ તમારી વિરુદ્ધ ફરિયાદ કરવા જઈ રહ્યા છે.”
મેં હોસ્પિટલનો ફોટો મોકલીને કહ્યું કે ઘર તો બંધ છે. બે દિવસ પછી નીચે રહેતા વ્યક્તિ અમારા ઘરે આવ્યા અને મારું મંગળસૂત્ર પણ તપાસવા લાગ્યા. ફરી અપશબ્દો બોલ્યા. “ભાડુઆતોના કારણે અમે વારંવાર હેરાન થઈએ છીએ. ધંધો કરો છો…” એમ કહી અમારું ખૂબ અપમાન કર્યું. જ્યારે મકાનમાલિકને ફોન કર્યો ત્યારે તેમણે નિષ્ઠુરતાથી કહ્યું, “ન ફાવે તો ઘર ખાલી કરી દો.” કારકિર્દીની શરૂઆતમાં આટલા બધા પૈસા ગુમાવવાનું કેવી રીતે પોષાય?
બે દિવસ પછી બાજુમાં રહેતાં એક આન્ટીએ કહ્યું કે, “અહીં કોઈ ભાડુઆત લાંબા સમય સુધી ટકતો જ નથી. આ ઘરમાં વાસ્તુદોષ પણ છે અને મકાનમાલિક, એજન્ટ તથા નીચેના ફ્લેટના માલિકની મિલીભગત છે. તેઓ દર વર્ષે ત્રણ-ચાર ભાડુઆતોની ડિપોઝિટ આ રીતે પચાવી જાય છે.” અમારા ઘરનું મુખ્ય દ્વાર નૈરુત્ય-પશ્ચિમમાં છે.
જ: નૈરુત્ય-પશ્ચિમનું દ્વાર વાસ્તુમાં બંધ દ્વાર માનવામાં આવે છે. આવા ઘરો ઘણી વખત વારંવાર બંધ થતાં રહે છે. તમારી વાત સાચી છે કે જો સારા મકાનમાલિક ન મળે તો ભાડુઆત સહેલાઈથી છેતરાઈ જાય.

ઘર ભાડે લેતાં પહેલાં શક્ય હોય તો અગાઉના ભાડુઆતનો સંપર્ક નંબર મેળવી તેમનો અનુભવ પૂછવો. જો મકાનમાલિક એ બાબતમાં આનાકાની કરે તો સમજવું કે કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આસપાસના લોકો, ચોકીદાર અને સફાઈ કર્મચારીઓ પાસેથી પણ માહિતી મેળવવી. સૌથી અગત્યની વાત એ છે કે ઘર ભાડે લેતાં પહેલાં કોઈ અનુભવી વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી, જેથી તમારી મહેનતના પૈસા બચી રહે અને વારંવાર ઘર બદલવાની નોબત ન આવે.
સૂચન: ઘર ભાડે આપતી વખતે જો મકાનમાલિક વારંવાર “મારું ઘર આમ જ રાખવાનું” કે “આવું જ કરવાનું” જેવી શરતો મૂકે, તો શક્ય છે કે તે ભવિષ્યમાં કોઈ બહાનું કાઢીને આર્થિક લાભ લેવાનો પ્રયાસ કરે. વધારે પડતી માયા પણ નકારાત્મક ઊર્જા પેદા કરે છે. આવા મકાનને ભાડે લેવાનું ટાળવું.
આપના સવાલો મોકલી આપો (Email: vastunirmaan@gmail.com)




