પ્રશ્ન: આજકાલ ફ્રૂટ્સ અને શાકભાજીને ઝડપથી પકવવા માટે કેમિકલ્સ અને પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ કરવામાં
આવે છે, આવાં ફળ-શાકભાજીને સાદાં પાણીથી ધોવાથી એનાં કેમિકલ્સ દૂર કરી શકાય?
– પારુલ સાંગાણી (વર્ધા)
ઉત્તર: શાકભાજી કે ફ્રૂટ્સને પકવવા માટે વપરાતાં કેમિકલ્સ એના બહારના ભાગમાં હોય છે આથી એને દૂર કરવાં જરૂરી છે. એ માટે ક્લોરિન આધારિત સેનિટાઈઝિંગ ગોળીનો ઉપયોગ કરી શકાય. આ પ્રકારની ટૅબ્લેટ પાણીમાં નાખી શાકભાજી કે ફ્રૂટ્સને એમાં થોડો સમય માટે મૂકી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી એમાં રહેલાં પેસ્ટિસાઈડ્સનો નાશ થાય છે.

આ પ્રક્રિયા મુખ્યત્વે કમર્શિયલી ઉપયોગમાં લઈ શકાય છે. અગર ઘરમાં લાવવામાં આવતાં શાકભાજી કે ફળોની સફાઈની વાત કરીએ તો, એને ધોઈને સ્વચ્છ પાણીમાં પંદરથી ૨૦ મિનિટ સુધી પલાળી રાખવાથી પણ એમાં રહેલાં કેમિકલ્સનો નાશ થાય છે. ફ્લાવર જેવાં શાકભાજીમાં સૂક્ષ્મ જંતુ પણ હોય છે. એવાં શાકને હૂંફાળાં પાણીથી સાફ કરી ઉપયોગમાં લેવાં.
પ્રશ્ન:: મારા રિપોર્ટ્સમાં કૅલ્શિયમની ઊણપ બતાવે છે. મારા ડૉક્ટરે દૂધ-દહીં સારી રીતે લેવા કહ્યું છે. મને એ બિલકુલ ભાવતાં નથી, તો હું કૅલ્શિયમ ટૅબ્લેટ્સ લઈ શકું?
– કોમલ દવે (અમદાવાદ)
ઉત્તર: કૅલ્શિયમ ટૅબ્લેટ્સ લેવામાં આમ તો કોઈ વાંધો નથી, પરંતુ સાથે સાથે કૅલ્શિયમયુક્ત આહાર પણ લેવો જરૂરી છે. તમને દૂધ કે દહીં નથી ભાવતાં તો તમે પનીર, રાગીમાંથી બનેલી વાનગી કે રાગીની રોટલી, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ઈંડાં, વગેરેનો ઉપયોગ પણ કરી શકો. કૅલ્શિયમ શરીરમાં બરાબર ભળે એ માટે એની સાથે વિટામિન-ડી ધરાવતા આહાર કે દવા જરૂરી છે આથી તમારા શરીરમાં વિટામિન-ડી કેટલું છે એની પણ તપાસ કરાવતાં રહેવું. સવારનો કુમળો તડકો પણ વિટામિન-ડી માટેનો આદર્શ સ્રોત છે.

પ્રશ્ન: મારું સંતાન આઠ મહિનાનું છે, મારા ડૉક્ટરે એને વીનિંગ ફૂડ (Weaning Food) શરૂ કરાવવાનું કહ્યું છે, તો મારે કેવા પ્રકારનો આહાર શરૂ કરવો જોઈએ?
– ઊર્વી ઠાકર (રાજકોટ)
ઉત્તર: બાળકને બહારનું ફૂડ શરૂ કરાવવા માટે એને અલગ અલગ પ્રકારના સ્વાદની ઓળખાણ કરાવવી જરૂરી છે. અત્યાર સુધી એણે ફક્ત બ્રેસ્ટ ફીડ જ લીધું છે આથી એને સ્વાદની પરખ નથી. પચવામાં હલકા હોય એવા ફીડથી તમે શરૂઆત કરો. સૌપ્રથમ એને ફ્રૂટ્સના જ્યુસ, મૅશ્ડ ફ્રૂટ્સ આપવાં. ત્યાર બાદ બીજા અઠવાડિયે ભાતનું ઓસામણ, દાળનું પાણી, મગનું પાણી, બાફેલાં શાકભાજી જેવો આહાર આપી શકાય. શરૂઆત ઓછા પ્રમાણથી કરવી, પણ પૌષ્ટિક આહાર મળે એ આ સમયે જરૂરી છે. એમાં થોડું મીઠું કે હળદર ઉમેરી શકાય, પણ મરચું કે અન્ય મસાલાનો ઉપયોગ ન કરવો.

એક કે બે અઠવાડિયાં પછી ઘઉં, બાજરી કે મિલેટમાંથી બનેલી વાનગીની શરૂઆત કરી શકાય. રાબ, ભૈડકું (મિક્સ અનાજને શેક્યા બાદ બાફીને બનતી વાનગી), શીરો, રોટલી, રોટલો, વગેરે. ખાસ ધ્યાન એ રાખવું કે કોઈ પણ નવી ચીજની શરૂઆત કરવામાં અંતર રાખવું એટલે કે બે નવી પ્રકારની વાનગીની ઓળખાણ બાળકને કરાવતાં વચ્ચે એક અઠવાડિયાનું અંતર રાખવું, જેથી કદાચ કોઈ ખોરાક બાળકને અનુકૂળ ન આવે તો એ ચીજ આ શરૂઆતના સમયમાં જ બાકાત કરી શકો.
પ્રશ્ન: હમણાં હમણાં ઈન્સ્ટાગ્રામ પર તેમ જ યુટ્યૂબ પર હેલ્ધી ઈટિંગને લગતા ઘણા વિડિયો જોવા મળે છે. ઘણી વખતે વિપરીત આહાર માર્ગદર્શન જેવો અનુભવ થાય છે. એવી કોઈ ડાયેટ ટિપ્સ મળી શકે જેની મદદથી આહાર દ્વારા હેલ્ધી રહી શકાય?
– શ્રુતિ પટેલ (અમદાવાદ)
ઉત્તર: હા, ચોક્કસ. આહારમાં થોડાં સાવચેત રહેવાથી પણ તમે હેલ્ધી રહી શકો છો. આહારનું માર્ગદર્શન ફક્ત કોઈ રોગો પૂરતું મર્યાદિત નથી અથવા તો વજન વધારવા કે ઘટાડવા માટે જ તમે ડાયેટિશિયનનો સંપર્ક કરી શકો એવું નથી. ભવિષ્યમાં તમે અમુક બીમારીથી દૂર રહી શકો એ માટે પણ ડાયેટ ટિપ્સ મેળવવી જરૂરી છે.

સૌપ્રથમ હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે કે સમયસર ઊઠવું અને દિવસમાં મુખ્ય ત્રણ ભોજન સમયસર લેવાં એ તંદુરસ્તી માટેની પ્રાથમિક જરૂરત છે. તમે શું ખાવ છો એ તો અગત્યનું છે જ, પરંતુ કેટલા પ્રમાણમાં ખાવ છો એ પણ એટલું જ જરૂરી છે. ઉત્તમ સ્થિતિ એ છે કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવું. વધુપડતાં તેલ, મરી-મસાલાની જગ્યાએ સાત્ત્વિક ભોજનને પ્રાધાન્ય આપવું. આપણો ભારતીય આહાર આપણા શરીર માટે વધુ યોગ્ય છે આથી મહત્તમ ભારતીય કે પ્રાદેશિક વાનગીઓનો ઉપયોગ આહારમાં કરવો. વિટામિન્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ મેળવવા માટે નિયમિત ફ્રૂટ્સ તેમ જ શાકભાજીનો ઉપયોગ કરો. એ તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે.
મોટા ભાગના ગુજરાતી લોકોનાં ભોજનમાં પ્રોટીનની ઊણપ રહે છે. એ નિવારવા દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, ફણગાવેલાં કે બાફેલાં કઠોળ કે પછી તેલીબિયાંનો આહારમાં સમાવેશ કરો. નમકનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં કરવો. ફાઈબર મેળવવા માટે આખાં અનાજ તેમ જ મિલેટ્સ એટલે કે ખડધાન્યનો ઉપયોગ કરો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




