લખનૌઃ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાન અને ચઢાવાની રકમમાં કથિત નાણાકીય ગેરરીતિને મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદને આધારે ઉત્તર પ્રદેશ પોલીસે આઠ આરોપીઓ સામે FIR નોંધ્યા બાદ તમામની ધરપકડ કરી છે.
તમામ આઠ આરોપીઓની ધરપકડ
ટ્રસ્ટ દ્વારા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્ર, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, લવકુશ મિશ્ર, રમાશંકર મિશ્ર, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ યાદવ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની સામે ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર સહિતના આરોપો હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ કેસ નોંધાયો છે.
ટ્રસ્ટના સભ્યની ફરિયાદ પર નોંધાઈ FIR
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદને આધારે શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. રામ મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના આરોપો સામે આવ્યા બાદ ટ્રસ્ટે વિશેષ તપાસની માગ કરી હતી. ત્યાર બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી.

દાનરાશિના સંચાલન સાથે જોડાયેલા હતા આરોપીઓ
જે લોકો સામે FIR નોંધવામાં આવી છે, તેઓ મંદિરમાં મળતી દાનરાશિ અને કીમતી ચઢાવાના સંચાલન તથા ગણતરી સાથે સીધા જોડાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ વિશે કહેવાય છે કે તે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો પૂર્વ ડ્રાઇવર હતો. જોકે અગાઉ મિડિયા સાથે વાતચીત દરમિયાન ટિન્નુ યાદવે દાન અને ચઢાવાની રકમની ગણતરીમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે કેટલાક લોકો વ્યક્તિગત દ્વેષને કારણે તેનું નામ ઉછાળી રહ્યા છે. તે ઉપરાંત લવકુશ મિશ્ર અને અનુકલ્પ મિશ્ર પણ મંદિરમાં મળતી દાનરાશિ અને અન્ય કિંમતી ચઢાવાની ગણતરીના કામ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.




