ગાંધીનગર: ગુજરાતની દીકરીએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર રાજ્યનું નામ રોશન કર્યું છે. ‘નારી શક્તિ’ અને મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ગુજરાતની ‘સોલર ગર્લ’ પાયલ મુંજપરાને 15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં ‘વિશેષ અતિથિ’ (Special Guest) તરીકે હાજર રહેવાનું ગૌરવપૂર્ણ આમંત્રણ મળ્યું છે. 
‘મન કી બાત’માં વડાપ્રધાને કર્યા હતા વખાણ
વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રે કદમ મિલાવીને પાયલ મુંજપરાએ સોલર પીવી (PV) ટેક્નિશિયન તરીકેની કૌશલ્ય તાલીમ પૂર્ણ કરી છે. આજે તેઓ સોલર પેનલ ઈન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેઈન્ટેનન્સ જેવા જટિલ ટેક્નિકલ કાર્યો ક્ષમતાપૂર્વક કરી રહ્યા છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 132મા એપિસોડમાં પાયલની આ અથાક મહેનત અને સમર્પણની ખાસ નોંધ લીધી હતી. વડાપ્રધાને પાયલને ગ્રામીણ ભારતની યુવતીઓ માટે પ્રેરણાદાયી આદર્શ ઉદાહરણ ગણાવી હતી.

પાયલ મુંજપરાએ વ્યક્ત કર્યો આભાર
આ ગૌરવપૂર્ણ ક્ષણ અંગે ખુશી વ્યક્ત કરતા પાયલ મુંજપરાએ જણાવ્યું હતું કે, “15મી ઓગસ્ટના પવિત્ર રાષ્ટ્રીય સમારોહ માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલું આ વિશેષ આમંત્રણ મારા માટે અત્યંત ગૌરવની વાત છે. દિલ્હી જઈને લાલ કિલ્લા પર આ ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવાની સુવર્ણ તક આપવા બદલ હું ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
પાયલની આ સફળતા માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ દેશભરની તમામ યુવતીઓ માટે ટેક્નિકલ અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે આગળ વધવાની નવી પ્રેરણા પૂરી પાડે છે.




