અમદાવાદની એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 48 વર્ષીય સુરેખાબહેન એ દિવસે સવારે ઉઠ્યા ત્યારે એમને થોડી બેચેની જેવું લાગતું હતું. ગળામાં સહેજ બળતરા અને જડબામાં હળવું ખેંચાણ હતું. એમણે વિચાર્યું કે ગઈકાલે લગ્નમાં ખાધેલું ભારે ભોજન નડ્યું
હશે અને એસિડિટી થઈ હશે. રસોડામાં કામ પતાવીને ઓફિસ જવા નીકળ્યા ત્યાં જ રસ્તામાં અચાનક પરસેવે રેબઝેબ થઈ ગયા, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબી તપાસમાં બહાર આવ્યું કે એમને હાર્ટ એટેક આવ્યો હતો. સુરેખાબહેન આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, કારણ કે એમને છાતીમાં કોઈ જ પ્રકારનો દુખાવો થયો નહોતો કે અન્ય કોઈ ગંભીર લક્ષણો પણ તુરંત દેખાયા નહોતા. સદનસીબે, તેઓ સમયસર હોસ્પિટલ પહોંચી ગયા હોવાથી યોગ્ય સારવાર મળી ગઈ અને જીવ બચી ગયો. પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે, શું હાર્ટ એટેક આવે ત્યારે ખબર ન પડે? હકીકત એ છે કે, આ એક ‘સાઇલન્ટ એટેક’ હતો, જેણે કોઈ પણ પ્રકારના શોરબકોર કે ચેતવણી વગર એમના હૃદય પર દસ્તક દીધી હતી.

આજના સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એ ચિંતાનો વિષય છે, પરંતુ એમાંય સૌથી ગંભીર બાબત એ છે કે હવે મહિલાઓમાં ‘સાઇલન્ટ હાર્ટ એટેક’ના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. અત્યાર સુધી હાર્ટ એટેકને એક ચોક્કસ રીતે જોવામાં આવતો હતો, પણ મહિલાઓના કિસ્સામાં આ સાઇલન્ટ એટેક એક છૂપી અને જીવલેણ આફત સાબિત થઈ રહ્યો છે. બદલાતા સમય સાથે સ્ત્રીઓના સ્વાસ્થ્ય સામે ઊભું થયેલું આ નવું અને મોટું જોખમ હવે ચર્ચાનો વિષય બન્યું છે.
શું છે સાઇલન્ટ હાર્ટ એટેક?
સામાન્ય રીતે હાર્ટ એટેક એટલે છાતીમાં અસહ્ય દુખાવો અને ડાબા હાથમાં ઝણઝણાટી એવું આપણે માનતા હોઈએ છીએ. પરંતુ ‘સાઇલન્ટ હાર્ટ એટેક’ એવો હુમલો છે જે કોઈપણ દેખીતા કે તીવ્ર લક્ષણો વગર આવે છે. આમાં હૃદયના સ્નાયુઓ સુધી ઓક્સિજનયુક્ત લોહી પહોંચતું બંધ થઈ જાય છે,
પણ શરીર એની ચેતવણી પીડા દ્વારા આપતું નથી. ખાસ કરીને મહિલાઓમાં પીડા સહન કરવાની શક્તિ વધુ હોવાથી અથવા લક્ષણો અલગ હોવાથી આ ‘મૌન હુમલો’ વધુ જીવલેણ સાબિત થાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. અંકિતા પંચાલ કહે છેઃ “છેલ્લાં વર્ષોમાં સ્ત્રીઓમાં સાઇલેન્ટ હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જે એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓમાં ઘણીવાર સાઇલેન્ટ હાર્ટ એટેક ઓળખાય વગર રહી જાય છે. સામાન્ય રીતે હાર્ટ એટેક સાથે જોડાતા તીવ્ર છાતીના દુખાવાની જગ્યાએ સ્ત્રીઓમાં થાક, શ્વાસ લેવામાં તકલીફ, વોમેટિંગ, ચક્કર આવવું અથવા જડબું, ગળું કે પીઠમાં અસ્વસ્થતા જેવા સૂક્ષ્મ લક્ષણો દેખાઈ શકે છે. આ લક્ષણોને ઘણીવાર તણાવ, એસિડિટી અથવા હોર્મોનલ ફેરફાર તરીકે ગેરસમજ થાય છે, જેના કારણે સારવારમાં વિલંબ થાય છે.”
એ ઉમેરે છેઃ “સાઇલેન્ટ હાર્ટ એટેકની પાછળ જીવનશૈલીમાં આવેલા ફેરફારો જેમ કે સતત તાણ, શારીરિક કસરતનો અભાવ, અસંતુલિત આહાર અને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરના વધતા કેસો જવાબદાર છે. હોર્મોનલ પરિબળો અને દુખાવો અનુભવવાની રીતમાં તફાવત પણ મહત્વનો ભાગ ભજવે છે.”
હેલ્ધી લાઈફસ્ટાઈલ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત
ઘણી સ્ત્રીઓ શરૂઆતના લક્ષણોને નાની સમસ્યા માનીને અવગણે છે. મુખ્ય જોખમ અજ્ઞાનતા છે, પરંતુ ભવિષ્યમાં વધુ ગંભીર હાર્ટ પ્રોબ્લેમ્સનું જોખમ વધારી શકે છે. નિયમિત આરોગ્ય તપાસ, જેમ કે ઇસીજી અને બ્લડ ટેસ્ટ,
વહેલી તકે ઓળખ માટે ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત કસરત, તાણનું સંચાલન અને પૂરતી ઊંઘ હાર્ટ રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફાર્માસ્યુટિકલ કંપની એડમિન અને હેલ્થ એડવાઈઝર દિશા રાવ કહે છેઃ આજના બદલાતા સમયમાં મહિલાઓએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે. દરેક સ્ત્રીએ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર રેગ્યુલર બોડી ચેકઅપ એટલે કે હેલ્થ ચેકઅપ કરાવવું જ જોઈએ. ખાસ કરીને જે મહિલાઓ ઘર અને ઓફિસ બંનેની બેવડી જવાબદારી સંભાળે છે, એમણે પોતાની હેલ્થ બાબતે જરાય બેદરકાર ન રહેવું જોઈએ. આજની લાઈફસ્ટાઈલ મુજબ જંક ફૂડ, મોડી રાત સુધી જાગવું અને મોબાઈલનો અતિરેક સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ બધી બાબતો પર કંટ્રોલ કરી એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
| કઈ મહિલાઓમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે?
નિષ્ણાતોના મતે, કેટલીક શ્રેણીની મહિલાઓમાં સાઇલન્ટ હાર્ટ એટેકનું જોખમ સામાન્ય કરતાં વધારે હોય છે. મેનોપોઝ પછીની મહિલાઓ: રજોનિવૃત્તિ પછી શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટે છે, જે હૃદય માટે રક્ષણ કવચ સમાન હોય છે. ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓ: ડાયાબિટીસને કારણે ચેતાતંતુઓ નબળી પડે છે, જેથી હૃદયમાં થતો દુખાવો મગજ સુધી પહોંચી શકતો નથી. વધુ પડતો માનસિક તણાવ: ઘર અને ઓફિસની બેવડી જવાબદારી સંભાળતી મહિલાઓમાં ‘સ્ટ્રેસ’ હાર્ટ એટેકનું મુખ્ય કારણ બને છે. સ્થૂળતા અને બેઠાડુ જીવનશૈલી: જે સ્ત્રીઓ શારીરિક શ્રમ ઓછો કરે છે અને ખોરાકમાં જંક ફૂડનો વધુ ઉપયોગ કરે છે. ઓળખો સાઇલન્ટ હાર્ટ એટેકના મુખ્ય લક્ષણો
જ્યારે છાતીમાં દુખાવો ન થતો હોય ત્યારે આ લક્ષણો પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે. અતિશય થાક: કોઈપણ કામ કર્યા વગર જ આખો દિવસ ભારે થાક અનુભવવો. શ્વાસ લેવામાં તકલીફ: સામાન્ય ચાલવામાં પણ શ્વાસ ચડવો અથવા હાંફ ચડવી. ગળા, જડબા કે પીઠનો દુખાવો: જે દુખાવો છાતીથી શરૂ થઈને ગળા કે જડબા સુધી ફેલાય. એસિડિટી જેવી બળતરા: પેટના ઉપરના ભાગમાં સતત અસ્વસ્થતા અને ઉબકા આવવા. અચાનક પરસેવો: પંખો કે એસી ચાલુ હોવા છતાં અચાનક પરસેવે રેબઝેબ થઈ જવું. |
હેતલ રાવ




