PM મોદી જી-7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા

ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સ પહોંચી ગયા છે. પીએમ મોદીના આ પ્રવાસનો મુખ્ય હેતુ ફ્રાન્સ સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાનો અને જી-7 (G7) સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મંથન કરવાનો છે. વડાપ્રધાન મોદીના ફ્રાન્સ આગમન સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

નીસ એરપોર્ટ પર ફ્રાન્સના મંત્રીઓ દ્વારા પ્રોટોકોલ તોડી ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના નીસ કોટે દા અઝૂર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ફ્રાન્સ સરકારના ઉચ્ચ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ફ્રાન્સના શિક્ષણ મંત્રી એડુઆર્ડ ગેફ્રે, ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને અંતરિક્ષ મંત્રી ફિલિપ બેપ્ટિસ્ટ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિયેરી માથુ અને નીસના મેયર એરિક સિઓટી સહિતના મહાનુભાવોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભારતીય સમુદાયના લોકોએ હાથમાં તિરંગો લહેરાવીને અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, જેને જોઈ વડાપ્રધાને પણ તમામ પ્રવાસી ભારતીયોનો આભાર માન્યો હતો.

સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો સંદેશ: એવિયન અને પેરિસમાં પણ યોજાશે કાર્યક્રમો

નીસ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને પોતાના ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “હું નીસ પહોંચી ગયો છું. ફ્રાન્સની આ મુલાકાત દરમિયાન નીસ ઉપરાંત એવિયન અને પેરિસમાં પણ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. આ પ્રવાસમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય  બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ભારતના મહત્વના વિકાસ ભાગીદારો સાથેની મિત્રતાને વધુ દ્રઢ બનાવવાનો છે. હું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળવા અને ‘ભારત ઇનોવેટ્સ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આતુર છું.”

આજે મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક અને ‘ભારત ઇનોવેટ્સ’ નું ઉદઘાટન

પોતાના પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી આજે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક હાઈ-લેવલ વન-ટુ-વન બેઠક યોજવાના છે. આ બેઠક દરમિયાન બંને નેતાઓ ભારત-ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરશે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ બંને દેશોના પરસ્પર સંબંધોને વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી વધારવામાં આવ્યા છે.