અમેરિકા-ઈરાન વચ્ચે આજે જ સાઇન થશે હિસ્ટોરિક પીસ ડીલ

પશ્ચિમ એશિયા અને સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી મુકનારા અમેરિકા-ઈરાન વિવાદમાં આખરે એક મોટી કૂટનીતિક સફળતા મળી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર રવિવારે એક સનસનાટીભર્યા અને ઐતિહાસિક સમાચાર શેર કર્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે આજે રવિવારે જ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેનાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના સપ્લાય માટે લાઈફલાઈન ગણાતો દરિયાઈ માર્ગ ફરીથી સુરક્ષિત બનશે.

ઓબામાની ડીલથી તદ્દન અલગ: કોઈપણ નાણાકીય લેણદેણ નહીં

ટ્રમ્પે આ નવી શાંતિ ડીલનો દાવો કરતા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઈરાન પરમાણુ ડીલ (JCPOA) ની આકરી આલોચના કરી હતી. ટ્રમ્પે લખ્યું કે, ઓબામાની ડીલ ઈરાન માટે પરમાણુ હથિયાર મેળવવાનો એક સરળ, શાનદાર અને સીધો રસ્તો હતી. જો તે કરાર ચાલુ રહ્યો હોત, તો ઈરાને 6 વર્ષ પહેલા જ ન્યૂક્લિયર બોમ્બ બનાવી લીધા હોત અને કદાચ તેનો ઉપયોગ પણ કરી લીધો હોત. પરંતુ મારી નવી ડીલ તેનાથી તદ્દન વિપરીત છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હવે ઈરાન પરમાણુ હથિયાર ઈચ્છતું પણ નથી અને તેને ક્યારેય તે મળશે પણ નહીં. આ ડીલની સૌથી મોટી વિશેષતા એ છે કે ઓબામા શાસન દરમિયાન ઈરાનને આપવામાં આવેલા અબજો ડોલર (જેમાં 1.7 અબજ ડોલર રોકડા સામેલ હતા) ની સરખામણીએ આ વખતે કોઈ પણ પ્રકારની નાણાકીય લેણદેણ (કેશ ટ્રાન્ઝેક્શન) કરવામાં આવી નથી.

B-2 બોમ્બર્સથી ન્યૂક્લિયર ડસ્ટ નષ્ટ કરવાનો અમેરિકાનો પ્લાન

કરારની આશ્ચર્યજનક વિગતો આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, જ્યારે આ શાંતિ કરાર બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને શાંત થઈ જશે, ત્યારે અમેરિકા પોતાના અત્યાધુનિક B-2 બોમ્બર્સ (B-2 Bombers) વિમાનો અને કુશળ પાયલટોની મદદથી ઈરાનની અંદર જશે. ત્યાં ગ્રેનાઈટના પહાડોની ઊંડાઈમાં છુપાવીને રાખવામાં આવેલી પરમાણુ સામગ્રી (Nuclear Dust) ને બહાર કાઢીને તેને સંપૂર્ણપણે નિષ્ક્રિય અને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ઈરાન અને સમગ્ર મિડલ ઈસ્ટ સાથે ભવિષ્યમાં સકારાત્મક કામ કરવા માટે ઉત્સાહિત છે. જો કે, તેમણે ચેતવણી પણ આપી કે જો આ શાંતિ પ્રક્રિયા સરળતાથી પૂરી નહીં થાય, તો અમેરિકા પાસે છેલ્લો આકરો વિકલ્પ પણ તૈયાર છે, જેનો ઉપયોગ કરવાની ક્યારેય જરૂર નહીં પડે તેવી આશા છે.

પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ભૂમિકા: શહબાઝ શરીફનું નિવેદન

અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ગુપ્ત વાટાઘાટોને અંતિમ તબક્કા સુધી પહોંચાડવામાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ મહત્વની મધ્યસ્થી કરી હોવાના સંકેતો મળ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આપણે શાંતિ કરારની સૌથી વધુ નજીક છીએ. આગામી 24 કલાકમાં આ ડીલ ફાઇનલ થઈ જશે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે જારી કરેલા નિવેદનમાં આ પ્રક્રિયાનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે રવિવારે યોજાનારા વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર (Electronic Signature Ceremony) સમારોહ બાદ આગામી સપ્તાહે બંને દેશો વચ્ચે ટેકનિકલ સ્તરની વાટાઘાટો શરૂ થશે.

આ મધ્યસ્થતા પ્રક્રિયા દરમિયાન સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનના સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મહિનાના અંતમાં ઇજિપ્ત (Egypt) માં યોજાનારી આગામી પ્રાદેશિક ચાર વિદેશ મંત્રીઓની (R-4) બેઠકમાં પણ આ શાંતિ કરારની અસરો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જો કે, આ સમયરેખા અંગે હજુ સુધી વ્હાઇટ હાઉસ અથવા ઈરાનના ટોચના સત્તાધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર સંયુક્ત નિવેદન બહાર આવ્યું નથી.