ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ઘરગથ્થુ ઉપાય

પ્રશ્ન: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે બાળકોને બીમારીથી બચાવવા માટે કયા પ્રકારના ઈમ્યુનિટી બૂસ્ટર ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી શકાય?

– કરિશ્મા પરીખ (અમદાવાદ)

ઉત્તર: ચોમાસું એ બીમારી વધવા માટેની સીઝન કહી શકાય, કારણ કે આ સીઝનમાં પાણી ભરાવાને કારણે કે ગંદકીને લીધે માખી-મચ્છરનો ઉપદ્રવ વધે છે, જે માંદગી ફેલાવે છે.

આ મોસમની મજા લેવા માટે એવા પ્રકારનાં ખાદ્યોનો ઉપયોગ જરૂરી છે, જે આપણા શરીરને અંદરથી પણ સ્વસ્થ રાખે, જેમ કે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ધરાવતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ આ સીઝનમાં ચોક્કસ કરવો. પહેલું ઉદાહરણ છે હળદર, જે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી અને ઍન્ટિ-સેપ્ટિક ગુણધર્મ ધરાવે છે. તાવ, કોઈ પ્રકારના સોજા, દુખાવા, ઈન્ફેક્શન રોકવાનું કામ એ કરે છે. દાળ તેમ જ શાક બનાવતી વખતે તમે થોડી વધારે હળદર નાખી શકો અથવા બાળકને હળદરવાળું દૂધ આપી શકો.

બીજું, પાચનને લગતી તકલીફો નિવારવા આદુંનો ઉપયોગ કરી શકાય. એ પાચન સુધારે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે. બાળકોને તમે આદુંવાળું દૂધ કે માઈલ્ડ ટી આપી શકો. લસણ પણ એલિસિનયુક્ત પ્રાકૃતિક ઍન્ટિ-બાયોટિક છે, જેનો દાળ, સૂપ, ચટણી, વગેરેમાં ઉપયોગ કરી શકો. આ ઉપરાંત, તુલસી એ ઍન્ટિ-વાઈરલ તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે. એ સીઝનલ વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. તુલસીનું સેવન તો નિયમિત રીતે કરી શકાય. આદું-તુલસીનું મિશ્રણ તો અતિ ઉત્તમ. પાણીમાં આ બન્ને ઉકાળીને કાઢો બનાવીને પણ લઈ શકાય.

આ ગાળામાં હેલ્ધી રહેવા ઉકાળેલું પાણી પીવું. તાજો ગરમ ખોરાક જ ખાવો. બહારના, ખુલ્લા રહેતા ખાદ્ય પદાર્થો (સ્ટ્રીટ ફૂડ)નો ઉપયોગ ટાળવો.

પ્રશ્ન: દિવસભર વધુ એનર્જેટિક રહેવા માટે મારે શું ખાવું જોઈએ?

– નીરવ રાજપૂત (પુણે)

ઉત્તર: સૌપ્રથમ એ તપાસો કે દિવસભર તમારું બ્લડ શુગર સ્થિર રહે છે કે નહીં. ઉપરાંત પૂરતું પાણી પીવું, સારી ઊંઘ અને સંતુલિત પોષણ—આ બધાનો ઊર્જા સાથે સીધો સંબંધ છે.

સૌથી અગત્યની બાબત છે સમયસર સંતુલિત આહાર લેવો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ શુગર ઘટે છે અને કાર્યશક્તિમાં ઘટાડો થાય છે. તેથી વજન ઘટાડવા માટે ભોજન છોડવાને બદલે ઓછી કૅલરીવાળો, હળવો અને નાના પ્રમાણમાં આહાર લેવો વધુ યોગ્ય છે.

ભોજનમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થવો જોઈએ:

  • પ્રોટીનયુક્ત આહાર
  • વધુ ફાઇબર ધરાવતો કાર્બોહાઇડ્રેટ
  • હેલ્ધી ફેટ

ઘણા ગુજરાતી ઘરોમાં દાળ-ભાત અને શાક-રોટલી સાથે જ લેવાય છે. તેના બદલે ક્યારેક ફક્ત રોટલી-શાક અથવા ફક્ત દાળ-ભાત સાથે સલાડ લેવાથી પાચન હળવું રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાય છે. સવારના સમયે પ્રોટીનયુક્ત આહાર લેવો ખાસ જરૂરી છે, જેથી દિવસભર ઊર્જા મળી રહે. શરીરમાં પાણીનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. હળવું ડિહાઇડ્રેશન પણ થાકનું કારણ બની શકે છે. સામાન્ય રીતે દરરોજ લગભગ ત્રણ લિટર પાણી પીવું યોગ્ય ગણાય.

પ્રશ્ન: મને સવારે કંઈ ખાવું પસંદ નથી. એનાથી પેટ ભારે લાગે છે. સવારે નાસ્તો ન કરવો એ ખરાબ આદત છે?

– પ્રિયાંશ સોની (ભાવનગર)

ઉત્તર: કહેવાય છે કે “સવારનો નાસ્તો રાજાની જેમ અને રાતનું જમવાનું ભિક્ષુકની જેમ કરવું.” અર્થ એ છે કે સવારનો સંતુલિત અને પૌષ્ટિક નાસ્તો તમને આખો દિવસ કામ કરવાની શક્તિ આપે છે. દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિ થતી હોવાથી તે સરળતાથી પચી પણ જાય છે.

ઘણી વખત નાસ્તા પછી પેટ ભારે લાગવાનું કારણ વધુ કાર્બોહાઇડ્રેટયુક્ત આહાર હોય છે. સવારનો નાસ્તો પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ, જ્યારે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ થોડું ઓછું રાખવું જોઈએ, જેથી શરીરમાં સુસ્તી નહીં પરંતુ સ્ફૂર્તિ રહે.

આખા અનાજના ટોસ્ટ અથવા રોટલી-પરાઠા સાથે ઈંડાં, બાફેલા મગ અથવા ચણા, ફળો તથા થોડાં બદામ, દહીં અથવા દૂધનો સમાવેશ કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, પરંતુ ભારે લાગતું નથી. સવારે નાસ્તો ન કરવાથી દિવસની શરૂઆતમાં ઊર્જાનો અભાવ રહે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે અને દિવસના અંતે વધુ પડતું ખાવાની શક્યતા વધી જાય છે.

જો તમને ડાયાબિટીસ અથવા અન્ય કોઈ તબીબી સમસ્યા હોય, તો થોડો જ હોય છતાં બ્રેકફાસ્ટ અવશ્ય લેવો જોઈએ. જો તમે નિયમિત નાસ્તો ન કરતા હો, તો ઓછામાં ઓછું એનું ધ્યાન રાખો કે બપોરે અથવા રાત્રે એકસાથે વધુ પડતો આહાર ન લઈ બેસો. હંમેશાં સંતુલિત માત્રામાં જ ભોજન લો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)