અમદાવાદ: સિવિલ હોસ્પિટલ (અસારવા) ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં હોસ્પિટલ ખાતે ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ તથા તેમના સગાઓ માટે ‘ઇલેક્ટ્રિક કાર’ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં થયેલા ૨૫૦થી વધુ અંગદાન અને ૧૦૦૦થી વધુ દર્દીઓને મળેલા નવજીવનની પ્રેરણાદાયી સફરને વર્ણવતા “અમરગાથા” પુસ્તકનું વિમોચન પણ મંત્રીના હસ્તે કરાયું હતું.
અંગદાન એ મહાદાન: પ્રફુલભાઈ પાનશેરિયા
પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે અમદાવાદ સિવિલ, સુરત સિવિલ અને IKDRC સમગ્ર દેશમાં નંબર વન કામગીરી કરી રહ્યા છે. તેમણે અસંતુલિત ખાનપાન અને જંક ફૂડના કારણે નાની વયે વધતા ડાયાલિસિસ અને હૃદયરોગના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ, ખોરાકમાં ભેળસેળ અટકાવવી, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી એ પણ અંગદાન જેટલું જ મોટું પુણ્યનું કામ છે.
ધર્મની સીમાઓથી પર માનવસેવા
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, દિલીપદાદાએ ૫ લાખ કિલોમીટરથી વધુ પ્રવાસ કરીને અંગદાનનો જાગૃતિ સંદેશ આપ્યો છે. સાથોસાથ યાસ્મીનબેનના સહયોગથી મુસ્લિમ પરિવારો દ્વારા પણ અંગદાન શક્ય બન્યું છે, જે સાબિત કરે છે કે અંગદાન ધર્મની સીમાઓથી પર માનવસેવા છે.
UNMICRCના નિયામક ડૉ. ચિરાગ દોશીએ અંગદાન માટે એક નવો સિદ્ધાંત રજૂ કરતાં કહ્યું કે, ‘દાન (Donation) = દિલીપભાઈ દેશમુખ (દાદા)’. તેમણે ઉમેર્યું કે દેશમાં દર વર્ષે ૫૦,૦૦૦ દર્દીઓ હાર્ટ ફેલિયરથી પીડાય છે પરંતુ માત્ર ૩૦૦ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જો બ્રેન ડેડ અંગદાન અંગે જાગૃતિ વધશે તો હજારો લોકોને નવજીવન મળી શકશે.
‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન અને નવી સુવિધાઓ
અંગદાતાઓ અને તેમના પરિવારોના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપતા પુસ્તક “અમરગાથા”નું આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે મેડિસિટી કેમ્પસમાં અદ્યતન કોન્ફરન્સ હોલ ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ, સગા-સંબંધીઓ તેમજ સ્ટાફની અવરજવર માટે ઇલેક્ટ્રિક કાર સેવા શરૂ કરવામાં આવી હતી.
અંગદાન અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર IKDRC, UNMICRC અને સિવિલ હોસ્પિટલની ટીમોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BJ મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખ, DMERના અધિક નિયામક ડૉ. જયેશ સચદે સહિત મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.




