જામનગર: અનંત અંબાણી દ્વારા સ્થાપિત ‘વનતારા’ (Vantara) એ ‘વિશ્વ હાથી દિવસ’ની ઉજવણી કરી. ભારત અને વિશ્વભરમાં હાથીઓના સંરક્ષણ, કલ્યાણ અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક કાર્યોની જાહેરાત કરી. અનંત અંબાણી દ્વારા રેસ્ક્યૂ કરાયેલી પ્રથમ માદા હાથી ‘ગૌરી’થી શરૂ થયેલી આ પ્રેરણાદાયી સફર આજે ૨૬૦થી વધુ એશિયાઈ હાથીઓના નિવાસસ્થાન અને વિશ્વના અગ્રણી કલ્યાણ કેન્દ્ર તરીકે ઊભરી આવી છે.
હાથી ગામ, જયપુર ખાતે અત્યાધુનિક ફેસિલિટી
વિશ્વ હાથી દિવસ પ્રસંગે, રાજસ્થાનના વન અને પર્યાવરણ મંત્રી સંજય શર્માએ જયપુરના ‘હાથી ગામ’ ખાતે હાથીઓની સંભાળ માટે વનતારા સાથેના સહયોગની જાહેરાત કરી. આ પહેલ હેઠળ અત્યાધુનિક ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર ફેસિલિટી’ ઊભી કરવામાં આવશે, જેમાં અદ્યતન હોસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર, હાઇડ્રોથેરાપી અને વૃદ્ધ હાથીઓ માટે ‘રિટાયરમેન્ટ એન્ડ કેર સેન્ટર’નો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય હાથી કલ્યાણ વિસ્તાર કાર્યક્રમ
વનતારાએ તાજેતરમાં અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આંદામાન-નિકોબારના 8 સ્થળે રાજ્ય વન વિભાગો સાથે મળીને આઉટરીચ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ 182 હાથીની સારસંભાળ, 242 મહાવતોનું પ્રશિક્ષણ, રોગનિવારક સારવાર, ‘મદમસ્ત’ (Musth) વ્યવસ્થાપન અને વેટરનરી કિટ્સ તેમજ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવ્યો હતો.
બાળકો માટે સોશિયલ મીડિયા અભિયાન “માય ફ્રેન્ડ લીલાવતી”
બાળકોમાં કરુણાની ભાવના કેળવવા વનતારાએ “માય ફ્રેન્ડ લીલાવતી” અભિયાન શરૂ કર્યું છે. બાળપણમાં સર્કસની આગમાં દાઝી ગયેલી અને બાદમાં રેસ્ક્યૂ કરાયેલી ‘લીલાવતી’ હાથીની વાર્તા પર આધારિત આ અભિયાન હેઠળ બાળકો પઝલ ઉકેલીને વિજેતા બની વનતારાની મુલાકાત લઈ શકશે.
માનવ-હાથી સંઘર્ષ પર આંતરરાષ્ટ્રીય સહયોગ
માનવ-હાથી સંઘર્ષ નિવારવા વનતારા ‘એલિફન્ટ પ્રોટેક્શન ઇનિશિયેટિવ (EPI) ફાઉન્ડેશન’ને આર્થિક અનુદાન (ગ્રાન્ટ) પૂરું પાડી રહ્યું છે. આ ગ્રાન્ટથી માર્ચ ૨૦૨૭માં બેંગકોક ખાતે યોજાનારી ગ્લોબલ સમિટમાં ૧૩ એશિયાઈ અને ૫ આફ્રિકન દેશોના નિષ્ણાતો તથા યુવા પ્રતિનિધિઓ ભાગ લઈ શકશે. સાથોસાથ, ભારતમાં પ્રથમ વખત ‘EPI યુથ એમ્બેસેડર્સ પ્રોગ્રામ’નું વિસ્તરણ કરાશે. જમીની સ્તરે સંઘર્ષ રોકવા વનતારા રેપિડ-રિસ્પોન્સ વેટરનરી ટીમ અને થર્મલ ડ્રોન સર્વેલન્સની સેવાઓ સતત પૂરી પાડી રહ્યું છે.




