ઈરાનના આકાશમાં રહસ્યમય ‘UFO’ : અમેરિકાનું ગુપ્ત સ્પાય જેટ ‘બ્લેક મંટા’ હોવાની અટકળો

તેહરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને તંગદિલી વચ્ચે ઈરાનની રાજધાની તેહરાનના આકાશમાં એક અત્યંત રહસ્યમય અને ચળકતી રોશની ધરાવતી વસ્તુ (UFO) ઊડતી જોવા મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયન્સ ફિક્શન ફિલ્મની વસ્તુ જેવી દેખાતી આ રહસ્યમય વસ્તુના વિડીયો વાયરલ થયા બાદ, એવી અટકળો તેજ થઈ ગઈ છે કે આ અમેરિકાનું અત્યંત સિક્રેટ અને ગુપ્ત મિશન પર કામ કરતું સ્પાય જેટ ‘TR-3B બ્લેક મંટા’ (Black Manta) હોઈ શકે છે.

અર્ધચંદ્રાકાર અને ત્રિકોણાકાર પ્લેન દેખાયું

તેહરાનના આઝાદેગાન એક્સપ્રેસવે નજીક આકાશમાં રંગબેરંગી લાઈટો ધરાવતી મોટી અર્ધચંદ્રાકાર તથા ત્રિકોણાકાર આકૃતિ હવામાં તરતી જોવા મળી હતી. આ સિવાય ઈરાનના ઝાહેદાન શહેરના આકાશમાં પણ રોશનીનો આવો જ સમૂહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો આને કાઈટ, ડ્રોન કે પછી કોઈ એલિયન UFO માની રહ્યા છે. જોકે ઈરાની સૈન્ય કે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

શું છે ‘બ્લેક મંટા’ પ્લેનનો દાવો?

સંરક્ષણ નિષ્ણાતો અને કાવતરાની થીયરીઓ (Conspiracy Theories) માનનારા લોકોનું કહેવું છે કે આ અમેરિકાનું ગુપ્ત ‘TR-3B બ્લેક મંટા’ હોઈ શકે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી પણ એન્ટિ-ગ્રેવિટી (ગુરૂત્વાકર્ષણ વિરોધી) ટેકનોલોજી અને ન્યુક્લિયર એનર્જીથી ચાલતું એક રહસ્યમય સુપરસોનિક પ્લેન હોવાનું માનવામાં આવે છે, જે રડારમાં પકડાતું નથી.

તાજેતરમાં જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવો દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા અત્યાધુનિક અને રહસ્યમય શસ્ત્રો છે જે દુનિયામાં કોઈએ ક્યારેય નથી જોયા. આ નિવેદન બાદ ઈરાનના આકાશમાં આ રહસ્યમય વસ્તુ દેખાતાં બ્લેક મંટા જેટ હોવાની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે.