અમદાવાદમાં યોજાશે નેશનલ ટેબલટોપ ગેમ ડિઝાઇન સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે

અમદાવાદ: ‘ગેમ મેકર્સ 2026’ (Game Makers 2026)ની ગ્રાન્ડ ફિનાલેનું યજમાન બનવા માટે શહેર સજ્જ છે. ‘અનબોક્સ્ડ બોર્ડ ગેમ ક્લબ’ (Unboxed Board Game Club) દ્વારા આ રાષ્ટ્રવ્યાપી ટેબલટોપ ગેમ ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ ભારતની નવી પેઢીના ગેમ ક્રિએટર્સને માર્ગદર્શન, પ્રોટોટાઇપિંગ, પ્લેટેસ્ટિંગ અને ડિઝાઇનિંગ દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. ‘ગેમ મેકર્સ મેળા 2026’નું આયોજન 14 ઓગસ્ટે યોજાનાર વર્કશોપ બાદ, 15 અને 16 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના શ્રેયસ ફાઉન્ડેશન ખાતે કરવામાં આવ્યું છે.

દેશભરમાંથી 58 ટીમોએ ભાગ લીધો

આ રાષ્ટ્રવ્યાપી પહેલમાં ભારતના 28 શહેરમાંથી 89 સહભાગીઓ ધરાવતી 58 ટીમે ભાગ લીધો. અમદાવાદ, વડોદરા, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, પુણે, જયપુર અને ગંગટોક જેવા શહેરોમાંથી 16થી 44 વર્ષની વયના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, શિક્ષકો, ડિઝાઇનર્સ અને નવા બોર્ડ ગેમ ક્રિએટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કડક પસંદગી પ્રક્રિયા બાદ 22 ફાઇનલિસ્ટ ટીમ નેશનલ ફિનાલે માટે ક્વોલિફાય થઈ છે.ત્રણ તબક્કામાં યોજાઈ સ્પર્ધા

ફિનાલે સુધીની આ સફર ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ હતી,

  1. ઈમેજિન (Imagine): સહભાગીઓએ ગેમ કન્સેપ્ટ, થીમ અને ગેમપ્લે મિકેનિક્સ રજૂ કર્યા.

  2. ડેવલપ (Develop): શોર્ટલિસ્ટ થયેલી ટીમોએ નિષ્ણાતો સાથે મળીને આઇડિયાને રમી શકાય તેવા પ્રોટોટાઇપમાં રૂપાંતરિત કર્યા.

  3. બિલ્ડ એન્ડ ટેસ્ટ (Build and Test): અનુભવી પ્લેયર્સ અને રિવ્યુઅર્સના પ્રતિસાદના આધારે ગેમમાં જરૂરી સુધારા-વધારા કરીને ફાઇનલ લુક આપવામાં આવ્યો.

મુખ્ય આકર્ષણો અને પ્રવૃત્તિઓ

  • વર્કશોપ (14 ઓગસ્ટ): IIT ગાંધીનગરના પ્રો. જ્યોતિ ક્રિષ્નન વર્ગખંડ માટે કિફાયતી શૈક્ષણિક ગેમ્સ ડિઝાઇન કરવા પર અને ‘ઝેનવુડ ગેમ્સ’ના સ્થાપક સિદ્ધાંત ચંદ ગેમ મિકેનિક્સ અને ડિઝાઇન સિદ્ધાંતો પર સેશન લેશે.

  • મેડ ઇન ઇન્ડિયા પ્લે ઝોન: મુલાકાતીઓ ‘પરિક્રમા’, ‘નાયકા’, ‘બોઇતાસ’, ‘ટાઇકૂન’, ‘પંચાયત’, ‘ચાઇ ગરમ’, ‘વલ્લમકાલી’, ‘ભારત 600 BC’ અને ‘કારીગર-એ-તાજ’ જેવી ભારતની જાણીતી ટેબલટોપ ગેમ્સ રમી શકશે.

  • નવી ગેમ્સ રમાડવાની તક: ફાઇનલમાં પહોંચેલી 22 ઓરિજિનલ અપ્રકાશિત બોર્ડ ગેમ્સ પબ્લિશ થાય તે પહેલાં રમી શકાશે અને રમતના વિકાસ માટે ફીડબેક આપી શકાશે.

  • ઇન્ડિપેન્ડન્સ ડે ગેમ્સ સેલ: ભારતીય-ડિઝાઇન કરાયેલી બોર્ડ ગેમ્સ પર ખાસ તહેવારી ડિસ્કાઉન્ટ મેળવી શકાશે.

આ વિઝન ધ હાઇવ (The Hive)ના સ્થાપક ક્રાંતિ શાહ, એથિકલ હેકર સૌમિલ શાહ અને NIDના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ગેમ ડિઝાઇનર શ્રદ્ધા જૈન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

ગ્રાન્ડ ફિનાલે (16 ઓગસ્ટ)

16 ઓગસ્ટે ગેમ મેકર્સ 2026ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. ટોચના 3 ડિઝાઇનર્સને પોતાની ગેમ માર્કેટમાં લાવવા માટે પબ્લિકેશન સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ ગ્રાન્ટ આપવામાં આવશે, જેનાથી તેઓ પબ્લિશર સાથે કામ કરી શકશે અથવા જાતે સેલ્ફ-પબ્લિશ કરી શકશે.