વાસ્તુ જ્ઞાન: શોર્ટકટ નહીં, સાધના છે

જો એક દિવસમાં માત્ર 99 રૂપિયાનો કોર્સ કરીને વાસ્તુ નિષ્ણાત બની જવાતું હોય, તો આપણા ઋષિઓની હજારો વર્ષોની મહેનતનું શું? વળી, બે કલાકના વર્કશોપમાં સર્ટિફિકેટ લઈને માણસ એ ભ્રમમાં આવી જાય છે કે તેને બધું જ આવડી ગયું છે. પછી તે પોતે આવા વર્કશોપ કરીને સમાજના અન્ય લોકોને પણ ભ્રમિત કરે છે.

ધીમે-ધીમે આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિના આધારસ્તંભો વિસરાઈ જશે અને માત્ર ગેરમાન્યતાઓ જ બાકી રહેશે. કદાચ પૈસાથી ખરીદાતી ડિગ્રીવાળી માનસિકતા અહીં પણ પ્રવેશી ગઈ છે. જે દેશમાં જ્ઞાનપિપાસાની પરંપરા હતી, ત્યાં આવી નિર્માલ્ય વૃત્તિ? પતન તો થયું જ છે.

‘પરસ્પર દેવો ભવ’માંથી આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ? પરસ્પરના ફોન ટેપ કરવા, એકબીજા વિશે ખરાબ વિચારવું, બ્લેકમેઇલ કરવું અને સતત શંકાઓ રાખવી—બસ, આટલું જ પરિવર્તન થયું છે. પરંતુ એટલું જ પૂરતું છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય, તો નીચે જણાવેલા ઈમેઇલ પર ચોક્કસ પૂછી શકો છો.

સ: મારા લગ્નને સત્તર વર્ષ થયા છે. થોડા દિવસ પહેલાં જ મને મારા પતિ વિશે એક વાતની ખબર પડી. તેઓ લગ્ન પછી ક્યારેય બેડરૂમમાં લાઇટ ચાલુ રાખવા દેતા નથી. બે દિવસ પહેલાં હું અચાનક રૂમમાં ગઈ, ત્યારે તેમની કમરની નીચે કોઈએ બચકું ભર્યું હોય એવી નિશાની જોઈ.

અમારા વચ્ચે ઝઘડો થયો. પછી મારા સાસુએ સમજાવ્યું કે તેમના ત્યાં આવું લાખું છે. મેં રીલ્સમાં જોયું છે કે આવી જગ્યાએ લાખું હોય તો એ વ્યક્તિને નાનો ભાઈ હોય. મારા પતિને તો નાનો ભાઈ નથી. વળી, તેમના મિત્રો પણ ‘લાખું’ કહીને તેમને ચીડવતા હતા.

તો શું ખરેખર કોઈએ બચકું ભર્યું હશે? જો આવું હોય, તો સમાજમાં મોઢું દેખાડવા જેવું ન રહે. તેઓ ઘણા સમયથી આખો દિવસ ઓફિસમાં અમારી સોસાયટીના બે પુરુષો સાથે રહે છે. ઘણી વખત તો તેઓ મોડી રાત સુધી પણ સાથે હોય છે. વળી, થોડા સમયથી તેઓ કોઈની પર પણ ગુસ્સે થઈ જાય છે અને ધમકીઓ આપવા લાગે છે. શું કરવું તે સમજાતું નથી.

જ: જાણ્યાનું ઝેર ઘણી વાર અજાણ્યા સુખ કરતાં ભારે પડે છે. આટલા વર્ષ સુધી તમને આ વાતની ખબર નહોતી, ત્યારે તમે સુખી હતા. શંકા સંબંધોને તોડી શકે છે.

વળી, જૂના મિત્રો દ્વારા ‘લાખું’ કહીને ચીડવવું અને તમારા પતિનું વર્ષોથી લાઇટ બંધ રાખવાનું વર્તન—બંને વાતો એ જ સૂચવે છે કે આ બાબત ઘણા વર્ષોથી છે. રીલ્સ જોઈને જીવનના નિર્ણયો લેવા યોગ્ય નથી. વળી, લાખું હોવું કોઈ શરમનો વિષય નથી. તમારે તમારા પતિનો આત્મવિશ્વાસ પાછો લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માની લઈએ કે તમારા પતિને કોઈની સાથે અનૈતિક સંબંધ હોય, તો પણ શું તેઓ તમારા પ્રત્યે વફાદાર નથી? વધારે પડતું વિચારવાનું બંધ કરો.

તમારા ઘરમાં અગ્નિ અને વાયવ્યનો દોષ છે. વળી, ઘરની આસપાસ વાંસનાં ઝાડ પણ છે, જે આવી વિચારધારાને પ્રોત્સાહન આપે છે. તમારા પતિને ઘરમાં વધુ સમય આપો, તેમને લાગણીનો અનુભવ કરાવો. લાખું આમ પણ દેખાતું નથી, તો પછી તમને ચિંતા શાની છે? અગ્નિની દીવાલ પર પેસ્ટલ યલો રંગ કરાવી દો. તેમના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળશે.

સ: આજકાલ ડિલિવરીવાળા લોકો અત્યંત ઉતાવળમાં હોય છે. તેમના સ્વભાવની અસર આપણા પર પણ પડે છે. વળી, માલ ખરાબ આવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે માથાકૂટ કરવી પડે છે. માનવીય અભિગમ ન હોય, તો જીવવાની મજા શું રહે?

જ: સભાનતાપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં આવે, તો તેમાં સફળતા મળે છે. દુકાનમાંથી વસ્તુઓ લેવા જવાથી થોડો વ્યાયામ થાય છે, માનવીય સંબંધો બંધાય છે અને વિશ્વાસ ઊભો થાય છે.

ઘરે બેસીને કંપની સાથે માથાકૂટ કરવા કરતાં બહાર નીકળીને તાજી હવાનો આનંદ લો. વળી, નવી પેઢીના કેટલાક લોકોને માત્ર પૈસા જ કમાવવા છે. આ તણાવમાં તેઓ માનવતા ભૂલી રહ્યા છે. આવા લોકોથી થોડું અંતર જાળવો અને સ્વસ્થ રહો.

સૂચન: મોંઘવારીના કારણે દેવું થઈ ગયું હોય, તો શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત અને કેવડાના અત્તર સાથે અભિષેક કરવાથી માનસિક શાંતિ અને રાહતનો અનુભવ થઈ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )